- સાઉદી અરબે ઇઝરાયેલ સાથેના કરારને લઇને કેટલીક શરતો રાખી
- ઇઝરાયેલ પેલેસ્ટાઇન સાથે માન્યતા પ્રાપ્ત શાંતિ કરાર પર હસ્તાક્ષર કરે તેવી શરત રાખી
થોડાક દિવસો પહેલા ઇઝરાયેલ અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર થયા હતા. આ કરાર બાદ પશ્વિમ એશિયાના વધુ કેટલાક દેશો વહેલી તકે આવું કરી શકે છે તેવી પણ અટકળો થવા લાગી હતી. આ વચ્ચે સાઉદી અરબે ઇઝરાયેલ સાથે સાર્વજનિક સ્તરે સંબંધ સ્થાપિત કરવા માટે કેટલીક શરતો રાખી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સાઉદી સરકારે જણાવ્યું છે કે, જ્યાં સુધી ઇઝરાયેલ પેલેસ્ટાઇનની સાથે આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા પ્રાપ્ત શાંતિ કરાર પર હસ્તાક્ષર નહીં કરે ત્યાં સુધી તેઓ તેમની સાથે રાજદ્વારી સંબંધ સ્થાપિત નહીં કરે. થોડાક સમય પહેલા જ એક ઐતિહાસિક કરાર કરતા સંયુક્ત રાષ્ટ્ર અમીરાતે ઇઝરાયેલને માન્યતા પ્રદાન કરી અને તેમની સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા.
મહત્વનું છે કે, ઇઝરાયેલ અને સાઉદીની વચ્ચે હાલના કેટલાક વર્ષોમાં દ્વિપક્ષીય સંબંધો સારા થયા છે. સાઉદી અરબ અને ઇઝરાયેલ બંને દેશો ઇરાનના પરમાણુ હથિયાર બનાવવાનો વિરોધ કરે છે. આ ઉપરાંત બંને દેશો યમન, સીરિયા, ઇરાક અને લેબેનોનમાં ઇરાનની આકાંક્ષાઓને લઇને પણ ચિંતિત છે.
(સંકેત)