- ઉત્તર કોરિયામાં હવે હસી કે રડી નહીં શકો
- 11 દિવસના શોક દરમિયાન કોઇ હસે કે રડે તો તેને થશે આકરી સજા
- જો કોઇ શરાબ પીશે તો થશે મૃત્યુદંડ
નવી દિલ્હી: ઉત્તર કોરિયા એક એવો દેશ છે જ્યાં સામાન્ય પ્રજા પર એટલા બધા નિયંત્રણો અને પ્રતિબંધો છે કે સામાન્ય પ્રજાનું જીવન ત્યાં નરક સમાન બની ચૂક્યું છે. સ્વતંત્રતા પર રોક છે. હવે ઉત્તર કોરિયામાં લોકો હસી કે રડી પણ નહીં શકે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિંમ જોંગ ઉને હવે લોકોના હસવા પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે. એટલું જ નહીં, જો કોઇ નાગરિક આ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેને સખત સજા ફટકારવામાં આવશે.
પહેલાથી દેશમાં સખત કાયદા માટે વિશ્વભરમાં ઉત્તર કોરિયા કુખ્યાત છે. આ વચ્ચે હવે આંચકાજનક ફરમાન કર્યું છે.
ઉત્તર કોરિયા પોતાના પૂર્વ નેતા કિમ જોંગ ઇલના મૃત્યુની 10મી વરસી મનાવી રહ્યું છે અને પ્યોંગયોંગ સ્થિત માનસૂ હિલ ખાતેના સમાધિ સ્થળ પર આવીને શ્રદ્વાંજલિ આપી રહ્યા છે.
11 દિવસ સુધી અહીં શ્રદ્વાંજલિ કાર્યક્રમ રાખ્યો હોવાથી અહીંયા 11 દિવસ સુધી શોક પાળવો પડશે. આ દિવસો દરમિયાન નાગરિકો હસી પણ નહીં શકે કે રડી પણ નહીં શકે. આ દરમિયાન જો કોઇ વ્યક્તિ શરાબ પીતો પણ દેખાશે તો તેને મૃત્યુદંડની સજા થશે.
આ શ્રદ્વાંજલિ કાર્યક્રમ દરમિયાન એટલે કે 11 દિવસ દરમિયાન લોકો બજારમાંથી સામાનની પણ ખરીદી કરી નહીં શકે. 11 દિવસના શોક દરમિયાન જો કોઇ નાગરિકના ઘરે સ્વજનનું મૃત્યુ થયું હશે તો પણ તેઓને રડવાની મંજૂરી અપાશે નહીં. તે ઉપરાંત આંચકા સમાન બાબત એ છે કે, શોકના દિવસો પૂર્ણ થયા બાદ જ સ્વજનના અંતિમ સંસ્કાર કરી શકાશે.