- ફાઇઝર-બાયોએનટેકના બૂસ્ટર શોટથી કોરોના સામે મળે છે રક્ષણ
- આ વેક્સિનથી કોરોના સામે 95.6 ટકા સુરક્ષા મળે છે
- એક અભ્યાસમાં આ તારણ મળ્યું છે
નવી દિલ્હી: કોરોના રોગચાળા સામે સમગ્ર વિશ્વમાં વેક્સિનથી લડત ચાલી રહી છે ત્યારે ફાઇઝર-બાયોએનટેકની વેક્સિનનો બૂસ્ટર શોટ સંક્રમણથી 95.6 ટકા સુરક્ષા આપે છે. કંપનીના નવા અભ્યાસમાં આ જાણવા મળ્યું છે. ફાઇઝરનો બીજો ડોઝ લીધા બાદ 84 ટકા તો ત્રીજા ડોઝ લીધા પછી સંક્રમણ સામે 95.6 ટકા સુરક્ષા પ્રાપ્ત થાય છે.
સંશોધનકર્તા અનુસાર વેક્સિનનો બૂસ્ટર ડોઝ દરેક ઉંમર, જાતિ, લિંગના લોકોમાં સમાન રીતે પ્રભાવશાળી સાબિત થયો છે. જ્યારે ડેલ્ટા વેરિયન્ટ વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો હતો ત્યારે લોકો પર બૂસ્ટર ડોઝનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
કંપનીના CEO અલ્બર્ટ બૌર્લાએ કહ્યું કે ટ્રાયલના રિઝલ્ટથી ખ્યાલ આવે છે કે બૂસ્ટર શોટ લીધા બાદ સંક્રમણથી સારી રીતે સુરક્ષિત રહી શકાય છે. અમે લોકો દુનિયાને આ મહામારી સામે સુરક્ષિત રાખવા ઈચ્છીએ છીએ. કેટલાય દેશ પોતાના નાગરિકોની ઈમ્યુનિટી વધારવા માટે કોરોના વેક્સીનના બૂસ્ટર શોટ લગાવવાનું શરુ કરી ચૂક્યા છે.
આપને જણાવી દઇએ કે અમેરિકા સ્થિત ફેડરલ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન સપ્ટેમ્બરમાં જ વેક્સિનના બૂસ્ટર ડોઝને લગાવવાની મંજૂરી આપી ચૂકી છે. અત્યારે ત્યાં માત્ર 65 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો અને અતિ જોખમ ધરાવતા લોકોને જ બૂસ્ટર ડોઝ અપાય છે.
આ બધા વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન બૂસ્ટર ડોઝની વિરુદ્વ એ માટે છે કે હજુ પણ વિશ્વના ગરીબ દેશોમાં લોકોને પહેલો ડોઝ પણ મળ્યો નથી ત્યાં પશ્વિમી દેશો બૂસ્ટર ડોઝનો કાર્યક્રમ કરી રહ્યા છે જે અયોગ્ય છે.