- ફાઇઝર-બાયોએનટેક દ્વારા રજૂઆત કરાઇ
- ફાઇઝરે 12 થી 15 વર્ષના કિશોરોને ઇમરજન્સીમાં રસી આપવાની મંજૂરી આપવા USFDA સમક્ષ રજૂઆત કરી
નવી દિલ્હી: ફાઇઝર-બાયોએનટેક દ્વારા તેમની કોરોના રસી બારથી પંદર વર્ષના કિશોરોને ઇમરજન્સીમાં આપવાની મંજૂરી આપવા માટે યુએસ રેગ્યુલેટર્સ એફડીએ સમક્ષ રજૂઆત કરી છે. ડિસેમ્બરમાં સોળ વર્ષ અને તેથી વધારે વયના લોકોને કોરોનાની રસી આપવાની મંજૂરી આપવામાં આવી હતી.
બ્રાઝિલમાં કોરોના મહામારી બેકાબૂ બની છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 93,000 કરતાં વધારે કેસો નોંધાતા કોરોનાના કુલ કેસોની સંખ્યા 13,375,414 થઇ હતી અને 3693 જણાના મોત થતા કોરોનાના કુલ મરણાંક 3,48,934 થયો હતો. બ્રાઝિલના 19 રાજ્યોમાં કોરોનાનો ચેપ સતત વધી રહ્યો હોવાથી છેલ્લા સાત દિવસમાં સરેરાશ મરણાંક 2930 થયો છે, જે દુનિયામાં સર્વાધિક છે. આમ છતાં બે રાજ્યો સાઓ પાઉલો અને ગ્રાંડ સૂલમાં નિયંત્રણો હળવા કરવામાં આવી રહ્યા છે.
દરમ્યાન લાન્સેટ જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર આફ્રિકામાં પહેલા મોજા કરતાં બીજા મોજાને કારણે 30 ટકા વધારે ચેપ ફેલાયો છે. આ અભ્યાસમાં જણાવ્યા અનુસાર જુલાઇની મધ્યમાં પહેલાં મોજા દરમ્યાન સરેરાશ રોજ 18,273 કેસો નોંધાયા હતા જે ડિસેમ્બરના બીજા મોજા દરમ્યાન વધીને 23,790 થયા હતા.
કોરોનાની રસીના 90 મિલિયન ડોઝ કોવાક્સ કાર્યક્રમ દ્વારા આ વર્ષના પ્રથમ છ મહિનામાં પુરાં પાડવામાં આવશે તો આફ્રિકા ખંડની માત્ર ત્રણ ટકા વસ્તીને રસી આપી શકાશે. આની સામે યુએસએમાં પહેલી મે સુધીમાં તમામ અમેરિકનોને રસી અપાઇ જશે.
જો કે, યુએસએમાં બી.1.1.7 વાઇરસ વેરીઅન્ટ ઝડપથી પ્રસરવાને પગલે પહેલી ઓગસ્ટ સુધીમાં 6,18,523 જણાના કોરોનાને કારણે મોત થવાની આગાહી વોશિંગ્ટન યુનિવર્સિટીની ઇન્સ્ટિટયુટ ફોર હેલ્થ
મેટ્રીસીસ દ્વારા એક મોડેલને આધારે કરવામાં આવી છે. અગાઉ પહેલી એપ્રિલ સુધીમાં 6,09,000 લોકોના મોત થવાની આગાહી કરવામાં આવી હતી. લોકો નિયમો ન પાળે તો આ આંકડો વધીને 6,97,573 થઇ શકે છે. જો અમેરિકાની 95 ટકા વસ્તી માસ્ક પહેરે તો 90,000 કરતાં વધારે મોત નિવારી શકાય તેમ છે.
(સંકેત)