- અમેરિકાના પ્રવાસ બાદ હવે પીએમ મોદી કરશે યુરોપનો પ્રવાસ
- આ દરમિયાન તેઓ જી-20 સમિટમાં ભાગ લેશે
- જી 20ની કોન્ફરન્સ આગામી 30-31 ઑક્ટોબરના રોજ રોમ, ઇટાલીમાં યોજાવાની છે
નવી દિલ્હી: અમેરિકાની સફળ મુલાકાત બાદ હવે પીએમ મોદી ટૂંક સમયમાં યુરોપ જશે. યુરોપ પ્રવાસ દરમિયાન પીએમ મોદી ઇટાલીમાં જી-20 સમિટમાં ભાગ લેશે. જી 20ની કોન્ફરન્સ આગામી 30-31 ઑક્ટોબરના રોજ રોમ, ઇટાલીમાં યોજાવાની છે. તેમાં અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ સામેલ થશે.
એવી પણ સંભાવના છે કે, જી 20 સમિટમાં ભાગ લેવા ઉપરાંત, પીએમ મોદી ઘણા દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય ચર્ચા પણ કરશે. આ પ્રવાસ માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જો કે, જી 20 કોન્ફરન્સ અંગેની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. કોરોના સમયગાળા પછી, જી 20 કોન્ફરન્સ થશે, જે ફિઝિકલ સ્થિતિમાં થઇ રહી છે.
ગત વર્ષે પીએમ મોદીએ સાઉદી અરેબિયાની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું હતું. કોરોના સંકટ વચ્ચે શરૂ થયેલી 15મી જી-20 સમિટમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, બીજા વિશ્વયુદ્વ બાદ કોરોના વિશ્વ માટે મોટો પડકાર છે. અમેરિકાનાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ પરિષદમાં હાજરી આપી હતી.
અગાઉ સપ્ટેમ્બરમાં પીએમ મોદી ત્રણ દિવસની મુલાકાતે અમેરિકા પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન, અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળ્યા હતા. આ ઉપરાંત અગ્રણી ઉદ્યોગપતિઓને પણ મળ્યા હતા.