Site icon Revoi.in

ભારતમાં સંક્રમણ વધવા પાછળ રાજકીય-ધાર્મિક કાર્યક્રમો જવાબદાર: WHO

Social Share

નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણ વધવા પાછળ અનેક કારણો છે જેમાં ભારતમાં મોટા પાયે થયેલા રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો પણ એક કારણ છે તેવો ઘટસ્ફોટ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કર્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિને જોતા પાડોશી દેશો પણ ચિંતિત છે. આ દરમિયાન કોરોના વાયરસના વેરિયન્ટ B.1.617 ને લઇને પણ ચર્ચા કરવામાં આવી છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સાપ્તાહિક એપિડેમિયોલોજીકલ અપડેટમાં જણાવાયું છે કે, ભારતમાં વાયરસ ફેલાવા પાછળ રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો પણ જવાબદાર છે. ભારતમાં કોવિડ-19ના પ્રસારને વધારવા પાછળ અનેક કારણ છે, જેમાં સંભવિત રીતે વધતી સંક્રામકતાની સાથે SARS-CoV-2 વેરિયન્ટના મામલામાં વૃદ્વિ સામેલ છે. અનેક ધાર્મિક-રાજકીય કાર્યક્રમો યોજાયા, જેમાં સોશિયલ મિક્સિંગ વધ્યું છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની અપડેટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં પ્રથમવાર B.1.617 લાઇનેજ ઑક્ટોબર 2020માં જોવા મળ્યો હતો. ભારતમાં વધતા કેસ અને મોતના આંકડાએ B.1.617 અને અન્ય વેરિયન્ટ (B.1.1.7)ની ભૂમિકા પર સવાલ ઉપસ્થિત કર્યા છે.

અપડેટ અનુસાર, દક્ષિણ એશિયા ક્ષેત્રમાં સંક્રમિતોની ટકાવારી 95% અને મોતની ટકાવારી 93% બરકરાર છે. સાથોસાથ દુનિયામાં ભારત 50 ટકા મામલા અને 30 ટકા મોત પાછળ જવાબદાર છે.

(સંકેત)