Site icon Revoi.in

બાઇડેન સરકાર H-1 વિઝાધારકોને આપી શકે છે મોટી રાહત, આ નિર્ણય લઇ શકે છે

Social Share

વોશિંગ્ટન: H-1B વિઝાધારકોને બાઇડેન સરકાર તરફથી રાહત મળી શકે છે. હકીકતમાં, બાઇડેન સરકાર એચ-1બી વિઝાધારકના પતિ કે પત્નીને અમેરિકામાં કામ કરતા રોકવાના ટ્રમ્પના નિર્ણયને રદ્દ કરવાની તૈયારીમાં છે. આ નિર્ણયનો સૌથી મોટો ફાયદો અમેરિકામાં H-1B પર કામ કરતા લાખો ભારતીયોને થશે. કારણ કે, ટ્રમ્પ સત્તા પર આવ્યા ત્યારથી તેમણે આ શ્રેણીના વિઝાધારકોના જીવનસાથીને અમેરિકામાં કામ કરતા રોકવા એક પછી એક રોક લગાવી હતી.

ફેબ્રુઆરી 2019માં ટ્રમ્પે આ અંગેના નિયંત્રણો મૂક્યા ત્યારે હાલના ઉપપ્રમુખ અને તત્કાલિન સેનેટર કમલા હેરિસે તેનો વિરોધ કરતાં કહ્યું હતું કે આ નિર્ણયને કારણે જે H-1B વિઝાધારકોના જીવનસાથી અને ખાસ તો મહિલાઓને પોતાના ડોક્ટર, નર્સ, સાયન્ટિસ્ટ કે પછી એકેડેમિક્સના વ્યવસાય પડતા મૂકવાની ફરજ પડશે. તે વખતે પણ કમલા હેરિસે ટ્રમ્પના આ નિર્ણય સામે લડત આપવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આખરે તેમના સત્તામાં આવ્યા બાદ બે વર્ષે H-1B વિઝા પર અમેરિકામાં કામ કરતા લોકો તેમજ તેમના જીવનસાથીને મોટી રાહત મળવા જઈ રહી છે.

H-1B વિઝા પર અમેરિકા આવતા વ્યક્તિ પર નિર્ભર તેના પરિવારજનોને H-4 વિઝા આપવામાં આવતા હોય છે. ટ્રમ્પે આ વિઝા પર અમેરિકા આવતા લોકો કામ ના કરી શકે તેવો નિયમ બનાવ્યો હતો. જેને રદ્દ કરવા બાઈડનની સરકારે પ્રક્રિયા શરુ કરી છે, અને હાલ તે ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બિઝનેસના રિવ્યૂ હેઠળ છે. બીજા શબ્દોમાં કહીએ તો જૂના નિયમને રદ્દ કરતો નવો આદેશ લાગુ થવાની તૈયારીમાં છે.

બાઈડને સત્તા ગ્રહણ કરી તેના તુરંત બાદ તેમની સરકારે ટ્રમ્પ દ્વારા લેવાયેલા નિર્ણયો પર 60 દિવસનો સ્ટે મૂકી દીધો હતો, જેમાં વિઝા નિયંત્રણોનો પણ સમાવેશ થાય છે. જ્યાં સુધી H-1B તેમજ H-4 વિઝાની વાત છે, ત્યાં સુધી અમેરિકાનું ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી પણ ટ્રમ્પ દ્વારા બનાવાયેલા પ્રસ્તાવિત કાયદાને પડતો મૂક્યો છે.

H-1B વિઝાધારક ગ્રીન કાર્ડ મેળવવાની રાહમાં હોય કે પછી જો તેને છ વર્ષના ગાળા બાદ કોઈ એક્સ્ટેન્શન મળ્યું હોય તો જ H-4 વિઝા પર અમેરિકા આવેલા તેના જીવનસાથી એમ્પ્લોયમેન્ટ ઓર્થોરાઈઝેશન ડોક્યુમેન્ટ માટે અરજી કરી શકે છે.

(સંકેત)