Site icon Revoi.in

બાંગ્લાદેશમાં વિજય દિવસ પર પરેડ યોજાઇ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ‘ગેસ્ટ ઑફ ઓનર’ તરીકે સામેલ થયા

Social Share

નવી દિલ્હી: આજે સ્વર્ણિમ વિજય દિવસની ભારતમાં ઉજવણી થઇ રહી છે. આજના દિવસે જ 1971ના વર્ષમાં ભારતે પાકિસ્તાન પર વિજય હાંસલ કર્યો હતો અને ત્યારથી વિજય દિવસની ઉજવણી થાય છે અને આ જ દિવસે બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું છે. આ પ્રસંગે બાંગ્લાદેશમાં યોજાયેલા વિજય દિવસના કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ ગેસ્ટ ઑફ ઑનર તરીકે સામેલ થયા છે.

બાંગ્લાદેશના ઢાકામાં રાષ્ટ્રીય પરેડ ગ્રાઉન્ડમાં પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યારે રાષ્ટ્રપતિ કોવિંદ બાંગ્લાદેશની ત્રણ દિવસીય મુલાકાતે છે. બુધવારે તેમના આગમન વખતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ એમ અબ્દુમ હમિદે પોતાની પત્ની સાથે તેમનું ઢાકા એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું અને તેમને ગાર્ડ ઑફ ઓનર અપાયું હતું.

મહત્વનું છે કે, આજના સમારોહમાં સામેલ થનારા તેઓ એક માત્ર વિદેશી રાષ્ટ્ર અધ્યક્ષ છે.રાષ્ટ્રપતિ કોવિંદે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે પણ બુધવારે મુલાકાત કરી હતી અને બંને દેશો વચ્ચેના ઘણા મુદ્દાઓ પર તેમની સાથે ચર્ચા કરી હતી.બાંગ્લાદેશના વિદેશ મંત્રી એ કે અબ્દુલ મોમીન સાથે પણ રાષ્ટ્રપતિ કોવિંદની બેઠક યોજાઈ હતી.