- બ્રિટનના પ્રિન્સ ઓફ વેલ્સ ચાર્લ્સે ભારતની કોરોના મહામારીની સ્થિતિ પર દુ:ખ વ્યક્ત કર્યું
- ભારતે અન્ય દેશોની મદદ કરી છે અને હવે તેમની મદદ કરવાની જરૂર: પ્રિન્સ ચાર્લ્સ
- બ્રિટિશ એશિયન ટ્રસ્ટે ભારત માટે ઇમરજન્સી અપીલ લોન્ચ કરી છે
નવી દિલ્હી: ભારતમાં જે કોરોના મહામારીની સ્થિતિ જોવા મળી રહી છે તેના પર બ્રિટનના પ્રિન્સ ઓફ વેલ્સ ચાર્લ્સે દુ:ખ વ્યક્ત કર્યું છે અને મદદ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે, 1 વર્ષથી આ મહામારીએ વિશ્વભરના લોકોને અસર કરી છે. આ સપ્તાહે ભારતથી આવેલા ભનાયક આંકડાઓએ ખૂબ દુ:ખ પહોંચાડ્યું છે. તેમણે લખ્યું કે, તેઓને ભારત માટે ખૂબ પ્રેમ છે અને જે રીતે ભારતે અન્ય દેશોની મદદ કરી છે, એ રીતે તેમની પણ મદદ કરવી જોઇએ.
પ્રિન્સ ચાર્લ્સે જણાવ્યું કે, ભારતીય સમુદાયની મદદથી બ્રિટિશ એશિયન ટ્રસ્ટે ભારત માટે ઇમરજન્સી અપીલ લોન્ચ કરી છે જેનાથી આ હાલાત અંગે કંઇક કરવાની અને જીંદગીઓ બચાવવાની ઇચ્છાને પૂરી કરી શકાય. આ સમુદાયના અનેક લોકો વેપાર, ટ્રસ્ટ તેમજ ફાઉન્ડેશન આગળ આવ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, વધુ લોકો ભારતમાં લોકોની મદદ કરે. ભારતમાં આ હાલાતથી પસાર થઇ રહેલા લોકો તેમની પ્રાર્થનમાં છે અને મળીને આ જંગ જીતી લેવાશે.
આ બાજુ બ્રિટને મંગળવારે કહ્યું કે હાલ તે કોવિડ-19 રસી માટે પોતાની ઘરેલુ પ્રાથમિકતા પર ભાર મૂકી રહ્યું છે. આ તબક્કામાં ભારત જેવા જરૂરિયાતવાળા દેશોને ઉપલબ્ધ કરાવવા માટે તેની પાસે રસીના વધારાના ડોઝ નથી. ભારતમાં મહામારીની ભયાનક બીજી લહેરના સંદર્ભમાં બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સનના પ્રવક્તાએ કહ્યું કે આ પ્રક્રિયાની સતત સમીક્ષા થઈ રહી છે અને બ્રિટન 495 ઓક્સિજન ટેન્ક, 120 વેન્ટિલેટર વગેરેનું એક પેકેજ મોકલી રહ્યું છે. જેથી કરીને ભારતમાં આપૂર્તિની કમીને પૂરી કરી શકાય.
નોંધનીય છે કે 100 વેન્ટિલેટર અને 95 ઓક્સિજન ટેન્કની પહેલી ખેપ મંગળવારે વહેલી સવારે દિલ્હી પહોંચી હતી.
(સંકેત)