મહારાષ્ટ્રની રૂચા વિશ્વમાં સૌથી વધુ આઇક્યૂ ધરાવતી વ્યક્તિ બની, આઇન્સ્ટાઇનને પણ પાછળ છોડ્યા
- મહારાષ્ટ્રની રૂચા વિશ્વની સૌથી વધુ આઇક્યૂ ધરાવતી વ્યક્તિ બની
- મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇનને પણ પાછળ છોડ્યા
- 162 સ્કોર સાથે મહારાષ્ટ્રની રૂચાએ આ સિદ્વિ હાંસલ કરી
નવી દિલ્હી: વિશ્વમાં ભારતીયો પોતાની પ્રતિભાનો કોઇને કોઇ રીતે પરચો આપતા જ રહે છે અને ભારતીયોની બૌદ્વિક ક્ષમતા, બુદ્વિમત્તાના ચર્ચા હરહંમેશ થતા રહે છે ત્યારે ભારત માટે વધુ એક ગૌરવની વાત છે. મૂળ મહારાષ્ટ્રના નાગપુરની અને હાલમાં માતા-પિતા સાથે સ્કોટલેન્ડમાં રહેતી રૂચા ચાંદોરકર વિશ્વમાં સૌથી વધુ આઇક્યુ ધરાવતી વ્યક્તિ બની ગઇ છે.
અહીંયા દંગ કરે તેવી વાત એ છે કે આઇક્યુ ટેસ્ટમાં તેણે 162નો સ્કોર મેળવીને મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સટાઇનને પણ પાછળ રાખી દીધા છે. આઇસ્ટાઇનનો આઇક્યૂ 160 હતો. રૂચા 162ના સ્કોર સાથે આ ટેસ્ટમાં સૌથી વધુ સ્કોર કરનાર વ્યક્તિ તરીકેની સિદ્વિ પ્રાપ્ત કરી છે.
અહીંયા રસપ્રદ વાત એ પણ છે કે રુચાના મોટા ભાગ એવા અખિલેશને પણ આ જ આઇક્યૂ ટેસ્ટમાં 2016માં 160નો સ્કોર મળ્યો હતો. જો કે રૂચાએ પોતાના ભાઇને પણ હવે પાછળ રાખી દીધા છે.
રૂચાના પરિવાર પર નજર કરીએ તો માતા-પિતા 2019થી જ સ્કોલેન્ડ શિફ્ટ થયા છે. માતા-પિતા આઇટી સેક્ટરમાં કાર્યરત છે. રૂચાએ પોતાની સિદ્વિ વિશે વાત કરી હતી કે, મારા ભાઇએ જ્યારે ટેસ્ટ આપ્યો ત્યારે મે મન બનાવી લીધું હતું કે, હું 11 વર્ષની થઇશ ત્યારે આ ટેસ્ટ આપીશ. હું પરીક્ષા આપ્યા બાદ 130ના સ્કોરની આશા રાખી હતી પરંતુ જ્યારે સ્કોર 162 સ્કોર આવ્યો ત્યારે હું ખુદ સ્તબ્ધ થઇ ગઇ હતી.
પોતાની દીકરીની બુદ્વિમતા વિશે વાત કરતા માતા-પિતા ગૌરવ લેતા કહે છે કે, અમારી દીકરી પહેલાથી જ અસાધારણ વસ્તુઓ કરવા માટે ટેવાયેલી છે. તે પહેલાથી જ પ્રતિભાસંપન્ન છે.
નોંધનીય છે કે મેન્સા નામના સંગઠન દ્વારા આઇક્યૂ નિર્ધારિત કરવા માટે ટેસ્ટનું આયોજન કરાય છે.