અફઘાનિસ્તાન પર તાલિબાનનો અંકુશ થયો તો અમે સરહદ બંધ કરી દઇશું: પાક. વિદેશ મંત્રી
- અફઘાનિસ્તાન પર તાલિબાનના નિયંત્રણને લઇને પાક.ના વિદેશ મંત્રીએ આપ્યું નિવેદન
- અફઘાનિસ્તાન પર તાલિબાનનું નિયંત્રણ થયું તો અમે સરહદ બંધ કરી દઇશું
- પાકિસ્તાન હવે વધુ શરણાર્થીઓને નહીં સ્વીકારે
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોની વાપસી બાદ ત્યાં હિંસા અને અરાજકતાનો માહોલ સર્જાઇ શકે છે તેવી આશંકા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ વ્યક્ત કરી છે. કુરૈશીએ વધુમાં જણાવ્યું હતું કે, જો અફઘાનિસ્તાન ર તાલિબાનનું નિયંત્રણ આવી ગયું તો પાકિસ્તાન તે દેશ સાથે જોડાયેલી સરહદ બંધ કરી દેશે.
કુરૈશીએ વધુમાં ઉમેર્યું હતું કે, પાકિસ્તાન પહેલા થી જ 35 લાખ અફઘાનિસ્તાનીઓને શરૂ આપી ચૂક્યું છે પરંતુ હવે તે વધુ શરણાર્થીઓને નહીં સ્વીકારે.
કુરૈશીએ કહ્યું હતું કે, અમે વધુ શરણાર્થીઓ ન લઈ શકીએ, અમે અમારી સરહદ બંધ કરી દઈશું. અમારે અમારા રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવાની છે. વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાન દેશમાં શાંતિ માટેના રાજદ્વારી પ્રયત્નો ચાલુ રાખશે અને તેના લોકશાહીથી ચૂંટાયેલા નેતૃત્વનું સ્વાગત કરતું રહેશે.
આપને જણાવી દઇએ કે, 1989ના વર્ષમાં તત્કાલીન સોવિયત સંઘની વાપસી બાદ મુજાહિદીન સમૂહો વચ્ચે છેડાયેલી આંતરિક લડાઈના કારણે લાખો અફઘાનિસ્તાનીઓ ભાગીને પાકિસ્તાન આવ્યા હતા. અમેરિકામાં 11 સપ્ટેમ્બર, 2001ના રોજ થયેલા હુમલા બાદ અમેરિકા નીત ગઠબંધને તાલિબાનને અફઘાનિસ્તાનની સત્તામાંથી ઉખાડી ફેંક્યુ હતું.
છેલ્લા કેટલાક સપ્તાહથી તાલિબાની યોદ્ધાઓએ દક્ષિણી અને ઉત્તરી અફઘાનિસ્તાનના વિભિન્ન જિલ્લાો પર કબજો જમાવેલો છે.