Site icon Revoi.in

શ્રીલંકામાં ખાદ્યાન્ન કટોકટી જાહેર કરાઇ, શ્રીલંકાનો ખજાનો થયો ખાલી

Social Share

નવી દિલ્હી: શ્રીલંકા હાલમાં આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. શ્રીલંકાએ ખાદ્ય સંકટને કારણે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે, કારણ કે ખાનગી બેંકો પાસે આયાત માટે વિદેશી હૂંડિયામણની અછત છે. રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે અનુસાર તેમણે ખાંડ, ચોખા તેમજ અન્ય જરૂરી ખાદ્ય ચીજોની સંગ્રહાખોરી રોકવા માટે આ પગલાં લીધા છે.

ધાન્ય, ચોખા, ખાંડ અને અન્ય ઉપભોક્તા સામાનના પુરવઠા માટે આવશ્યક સેવાઓના આયુક્ત જનરલ તરીકે રાજપક્ષેએ સેનાના એક ઉચ્ચ અધિકારીને નિયુક્ત કર્યા છે. કટોકટીનું એલાન ખાંડ, ચોખા, ડુંગળી અને બટાકાની કિંમતોમાં ઝડપી વૃદ્વિ બાદ કરાયું છે જ્યારે દૂધ પાવડર, કેરોસીન અને રસોઇ ગેસની અછતના કારણે દુકાનોની બહાર લાંબી લાઇન લાગેલી છે.

શ્રીલંકા સરકારે ખાદ્ય પદાર્થોની સંગ્રહખોરીને રોકવા માટે ભારે દંડની જોગવાઈ કરી છે. આ સંકટ ત્યારે સામે આવ્યુ છે જ્યારે 2.1 કરોડની વસતીવાળા દેશ કોરોના વાયરસની મોટી લહેર સામે ઝઝૂમી રહ્યો છે. શ્રીલંકામાં એક દિવસમાં 200થી વધારે લોકોના કોરોનાની ચપેટમાં આવવાથી મોત થઈ રહ્યા છે.

શ્રીલંકામાં 2020માં કોરોના મહામારીના કારણે અર્થવ્યવસ્થામાં રેકોર્ડ 3.6 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષે માર્ચમાં સરકારે વિદેશી મુદ્રાને બચાવવા માટે આવશ્યક મસાલા, ખાદ્ય તેલ અને હળદર સહિત વાહનો અને અન્ય વસ્તુઓની આયાત પર રોક લગાવી દીધી.

બે સપ્તાહ પહેલા શ્રીલંકાની સેન્ટ્રલ બેન્કે સ્થાનિક ચલણને મજબૂત કરવા વ્યાજદરમાં વધારો કર્યો હતો. બેંકના આંકડા દર્શાવે છે કે શ્રીલંકાની વિદેશી ભંડાર જુલાઈના અંતે ઘટીને 2.8 અબજ ડોલર થઈ ગઈ, જે નવેમ્બર 2019 માં 7.5 અબજ ડોલર હતી.