- અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારમાં અંદરોઅંદર જ ડખા
- તાલિબાન સરકારના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરે કાબુલ છોડ્યું
- ક્રેડિટને લઇને તાલિબાન અને હક્કાની નેટવર્ક વચ્ચે સંઘર્ષ
નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ હાલમાં તો ત્યાં તાલિબાનની વચગાળાની સરકાર છે પરંતુ સ્થાયી સરકારને લઇને હજુ પણ દ્વિધા છે. સાંપ્રત અહેવાલો અનુસાર તાલિબાન અને હક્કાની નેટવર્ક વચ્ચે ક્રેડિટને લઇને સંઘર્ષ શરૂ થઇ ગયો છે અને ત્યારબાદ મુલ્લા અબ્દુલ ગની બરાદરે કાબુલ છોડી દીધું છે.
આપને જણાવી દઇએ કે મુલ્લા અબ્દુલ ગની બરાદરને તાલિબાન સરકારમાં ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બનાવાયા છે. થોડાક દિવસો પહેલા હક્કાની નેટવર્ક અને તેઓ વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં બરાદરને ગોળી વાગી હોવાના અહેવાલો પણ વહેતા થયા હતા.
તાજેતરમાં બરાદર અને હક્કાની નેટવર્કના નેતા ખલીલ ઉર-રહમાન વચ્ચે વિવાદ થયો છે. ત્યાર બાદ બંનેના સમર્થકો આપસમાં અથડાયા હતા. હકીકતે હક્કાની નેટવર્ક એવું માને છે કે, તેના આક્રમક વલણ અને ફાઈટર્સના કારણે જ અફઘાનિસ્તાનની સત્તા મળી છે. જ્યારે બરાદરના કહેવા પ્રમાણે તેની કૂટનીતિના કારણે તાલિબાનને વિજય મળ્યો છે. તેવામાં ક્રેડિટને લઈ બંને જૂથ વચ્ચે અથડામણ જામી છે.
નોંધનીય છે કે, તાલિબાન અને હક્કાની નેટવર્ક વચ્ચે સરકારમાં ભાગીદારીમાં પણ વિવાદ છે. હક્કાની નેટવર્ક અફઘાન સરકારમાં પ્રમુખ ભૂમિકા ઇચ્છે છે પરંતુ તાલિબાનના નેતાઓ તેમ નથી ઇચ્છતા. આ મુદ્દે પણ બંને વચ્ચે ગજગ્રાહ જોવા મળી રહ્યો છે.