- ભારત, અમેરિકા બાદ તાઇવાને પણ ચીની એપ્સ પર મૂક્યો પ્રતિબંધ
- તાઇવાને ચીનની સ્ટ્રીમિંગ એપ્સ iQiYi અને Tencent પર મૂક્યો પ્રતિબંધ
- 3 સપ્ટેમ્બરથી આ એપ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવશે
ચીન અત્યારે અનેક દેશોના રોષનું ભોગ બન્યું છે અને તેના પરિણામ તરીકે ભારત અને અમેરિકાએ અનેક ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે તાઇવાને પણ કેટલીક ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકવાની સત્તાવાર જાહેરાત કરી હતી. તાઇવાનના અધિકારીઓએ ચીની સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ iQiYi અને Tencent પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી.
પ્રાપ્ત અહેવાલ અનુસાર ચીની મીડિયા કંપનીના પ્રભાવ હેઠળની સહાયક કંપનીઓના માલને તાઇવાનમાં વેચવાની ચીનની ચાલને રોકવા માટે તાઇવાને આ પગલું લીધું હતું. 3જી સપ્ટેમ્બરથી આ એપ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ અમલમાં આવશે તેવું તાઇવાનના કોમ્યુનિકેશન ખાતાના ડાયરેક્ટરે જણાવ્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમે તાઇવાનની કંપનીઓને પોતપોતાના ડેટા સુરક્ષિત કરી લેવાની સૂચના આપી દીધી છે. ખાસ કરીને જે કંપનીઓ ચીની કંપનીઓ સાથે વ્યવહાર કરતી હતી એ તમામ કંપનીઓને જણાવી દેવામાં આવ્યું હતું કે ચીની એપ્સ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવાથી ઇન્ટરનેટ દ્વારા આવતી ચીની સામગ્રી હવે આવી નહીં શકે એની નોંધ તમે કરી લેજો અને તમારા ડેટાને સિક્યોર્ડ કરી રાખજો.
તે ઉપરાંત તાઇવાન સરકારના નાણાં ખાતાએ ચેતવણી આપી હતી કે આ પ્રતિબંધનો ભંગ કરનારી કંપનીઓ કે વ્યક્તિઓ વિરુદ્વ ગુનો નોંધીને કેસ કરવામાં આવશે.
(સંકેત)