- ચીન અને તાઇવાન વચ્ચે ચાલી રહી છે તકરાર
- ચીન તાઇવાન પર કબ્જો કરવા કરી રહ્યું છે પ્રયત્ન
- ચીન તાઇવાનનું ભવિષ્ય નક્કી ના કરી શકે: તાઇવાન રાષ્ટ્રપતિ
નવી દિલ્હી: સાંપ્રત સમયમાં ચીન અને તાઇવાન વચ્ચે તકરાર ચાલી રહી છે. એક તરફ ચીન જ્યારે તાઇવાન પર કબ્જો જમાવવા પ્રયાસો કરી રહ્યું છે ત્યારે બીજી તરફ તાઇવાને શક્તિ પ્રદર્શન કર્યું છે. તાઇવાનના નેશનલ ડે નિમિત્તે રાજધાની તાઇપેઇમાં એક સૈન્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તાઇવાનના રાષ્ટ્રપતિ ત્સાઇ ઇંગ વેને ચીનને ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે તાઇવાનનું ભવિષ્ય ચીન નક્કી નહીં કરે.
સૈન્ય પરેડ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા પર ભાર મૂકતા તાઇવાનના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, અમે રાજકીય યથાસ્થિતિને એકતરફી રીતે બદલવાથી રોકવા માટે પ્રયાસરત રહીશું. અમે રાષ્ટ્રીય સુરક્ષા માટે કટિબદ્વ છીએ અને કોઇપણ સંજોગોમાં એ સુનિશ્વિત કરીશું કે કોઇપણ તાઇવાનને ચીન દ્વારા નિર્ધારિત માર્ગ પર ચાલવા પર મજબૂર ના કરે. અમે અમારો બચાવ કરવા માટે દ્રઢ સંકલ્પનું પ્રદર્શન કરતા રહીશું. તાઇવાન શાંતિપૂર્ણ ક્ષેત્રીય વિકાસમાં યોગદાન આપવા ઇચ્છુક છે.
મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી ચીન તાઇવાનને પોતાનો જ ભાગ હોવાનું કહી રહ્યું છે. જો કે, તાઇવાન એક લાંબા ગૃહ યુદ્વ બાદ 1949માં કોમ્યુનિસ્ટ શાસિત મુખ્ય ભૂમિથી અલગ થયા પછી સ્વ-શાસિત રહ્યું છે. તાઇવાન પોતાનુ સૈન્ય બળ ધરાવે છે અને તાઇવાનને અમેરિકા પણ પૂરતું સમર્થન આપી રહ્યું છે.