Site icon Revoi.in

તાલિબાનની ક્રૂરતા: ગુપ્ત એજન્સીઓના 100થી પૂર્વ અધિકારીઓની કરી નિર્મમ હત્યા

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ ત્યાં તાલિબાનીઓ સતત ક્રૂરતાપૂર્વકનું વર્તન કરી રહ્યા છે અને અનેક લોકોની બેરહેમીથી હત્યા કરી રહ્યા છે. હવે તાલિબાને ત્યાંના 100થી વધુ પૂર્વ પોલીસ અને ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓની હત્યા કરી દીધી છે. હ્યૂમન રાઇટ્સ વોચના એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર તાલિબાને સરકારી રોજગાર રેકોર્ડનો તેના માટે ઉપયોગ કર્યો હતો અને પૂર્વ અધિકારીઓ અને આત્મસમર્પણ કરનારાઓને નિશાન બનાવ્યા છે.

બાદમાં તેમને શોધી શોધીને તેમની હત્યા કરવામાં આવી હતી જ્યારે અનેક લોકોને ગુમ કરી દેવામાં આવ્યા છે. હાલ તેઓ ક્યાં છે તેની પરિવાર પાસે પણ જાણકારી નથી. તાલિબાને અફઘાનિસ્તાન પર સત્તા મેળવી પછી એવા લોકોને સૌથી પહેલા નિશાન બનાવેલા કે જે અમેરિકાને મદદ કરતા હતા.

તાલિબાને આ હત્યાઓ પાછળ એવી દલીલ કરી છે કે તેઓએ એવો અપરાધ કર્યો છે કે જે માફ કરી શકાય નહીં. એટલે કે આ યાદીમાં જેમના પણ નામ છે તેમની હત્યા કરવામાં આવશે તેવો તાલિબાને ઇશારો કર્યો હતો.

નોંધનીય છે કે,  હ્યૂમન રાઇટ્સ વોચનો દાવો છે કે હાલની હત્યા કરવાની તાલિબાનની પદ્ધતિથી લોકોમાં ભયનો માહોલ છે. ખાસ કરીને અગાઉની સરકારોમાં રહી ચુકેલા અિધકારીઓ વધુ ડરી ગયા છે.