- અમેરિકી સૈન્યએ અફઘાનિસ્તાનમાંથી વિદાય પહેલા એરક્રાફ્ટ-હેલિકોપ્ટર ક્ષતિગ્રસ્ત કર્યા
- અમેરિકાની આ હરકતથી તાલિબાન બરોબરનું અકળાયું
- અમેરિકાએ અમારી સાથે દગો કર્યો છે: તાલિબાન
નવી દિલ્હી: અમેરિકી સેનાએ જ્યારે તેના 20 વર્ષના સૈન્ય અભિયાનનો અંત આણીને અફઘાનિસ્તાન છોડ્યું ત્યારે તાલિબાનીઓમાં ખુશીની લહેર ફરી વળી હતી. તે ઉપરાંત અમેરિકી સૈન્યએ તેના કેટલાક એરક્રાફ્ટ્સ અને હેલિકોપ્ટર પણ તાલિબાનના હાથમાં આવી ગય હતા જેને કારણે તાલિબાનીઓની ખુશી બેવડાઇ ગઇ હતી.
જો કે તાલિબાનની આ ખુશી ક્ષણિક હોય તે જ્યારે તેઓને જાણવા મળ્યું કે, જતા જતા અમેરિકન સેનાએ તેના વિમાનો અને હેલિકોપ્ટરને ક્ષતિગ્રસ્ત કરી નાંખ્યા છે અને તે ઉડાન ભરી શકવાની સ્થિતિમાં નથી ત્યારે તાલિબાનીઓની આશા પર પાણી ફરી વળ્યું હતું.
અમેરિકાની આ હરકતથી તાલિબાન બરોબરનું અકળાયું છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર તાલિબાનીઓએ કહ્યું છે કે, અમેરિકાએ અમારી સાથે દગો કર્યો છે. તાલિબાની નેતાએ કહ્યું કે, અમેરિકા દ્વારા છોડી દેવાયેલા હથિયારો રાષ્ટ્રીય સંપત્તિ છે. અમે આ દેશ પર રાજ કરી રહ્યા છીએ અને આ હથિયારોનો અમે ઉપયોગ કરી શક્યા હોત.
નોંધનીય છે કે, અમેરિકી સૈન્યની વિદાય બાદ તાલિબાન પાસે અત્યારે 48 વિમાનો રહી ગયા છે જો કે તેમાંથી કેટલા વિમાનો ઉડવાની સ્થિતિમાં છે તે અગે કોઇ જાણકારી નથી.