દેશમાં રોકડ ખૂટ્યા બાદ હવે ભંડોળની જરૂર, 2000 વર્ષ જૂના ખજાનાની શોધ કરી રહ્યું છે તાલિબાન
નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના વર્ચસ્વ બાદ હવે અફઘાનિસ્તાનમાં આર્થિક હાલત વધુ કફોડી બની છે. ત્યાં રોકડ ખૂટી રહી છે. આ વચ્ચે હવે તાલિબાને અફઘાનિસ્તાનના અત્યંત કિંમતી ખજાનાને શોધવા માટે તાલિબાને સર્ચ ઑપરેશન હાથ ધર્યું છે. સરકારના સૂચના અને સંસ્કૃતિ મંત્રાલયના અધિકારીઓએ આ બાબતની જાણકારી આપી છે. તેમણે Bactrian ખજાનાને ટ્રેક કરવા અને શોધવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. આ ખજાનાને ચાર દાયકા પહેલા ઉત્તરી જવજ્જન પ્રાંતના કેન્દ્રમાં શેરબર્ગન જીલ્લાના તેલા તાપા વિસ્તારમાં શોધવામાં આવ્યો હતો.
કેબિનેટના સાંસ્કૃતિક આયોગના ઉપપ્રમુખ અહમદુલ્લા વાસીકે કહ્યું કે, સંબંધિત વિભાગોને બેક્ટ્રિયન ખજાનો શોધવાનું કામ સોંપવામાં આવ્યું છે. અત્યારે સમગ્ર બાબતની તપાસ ચાલી રહી છે અને જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આખરે સત્ય શું છે. જો આ ખજાનાને અફઘાસ્તાનની બહાર મોકલવામાં આવ્યો હશે તો તે દેશદ્રોહ ગણાશે.
અધિકારીએ જણાવ્યું કે, જો આ ખજાના અને અન્ય પ્રાચીન વસ્તુઓને દેશની બહાર લઈ જવામાં આવી હશે તો અફઘાનિસ્તાનની સરકાર ગંભીર કાર્યવાહી કરશે. નેશનલ જિયોગ્રાફિક અનુસાર, બેક્ટ્રિયન ખજાનામાં પ્રાચીન સમયના દુનિયાભરના હજારો સોનાના ટુકડા શામેલ છે.
નોંધનીય છે કે, રિપોર્ટ પ્રમાણે તેમાં 20,000થી વધારે વસ્તુઓ સામેલ હતી, જેમ કે સોનાની વીંટીઓ, સિક્કા, હથિયાર, બંગડી, હાર, તાજ વગેરે. સોના ઉપરાંત તેમાં અનેક વસ્તુઓને Turquoise, Carnelian અને Lapis Lazuli જેવા કિંમતી પત્થરોથી તૈયાર કરવામાં આવી હતી.