- તાલિબાને પાકિસ્તાનને આપ્યો ઝટકો
- ભારત સરકારને લગાવી ગુહાર
- પત્ર લખીને આ માગણી કરી
નવી દિલ્હી: તાલિબાન સરકારે હવે ભારત પાસે માગણી કરી છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે ભારતને કોમર્શિયલ ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરવાની માગણી કરી છે. ઇસ્લામિક અમીરાતે DGCAને પત્ર લખીને કાબુલ માટે કોમર્શિયલ ફ્લાઇટ ફરીથી શરૂ કરવાની માગણી કરી છે. ભારતીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય હાલમાં આ પત્રની સમીક્ષા કરી રહ્યું છે.
આપને જણાવી દઇએ કે ભારતે 15 ઓગસ્ટ બાદ કાબુલ માટે તમામ કોમર્શિયલ ફ્લાઇટનું સંચાલન બંધ કરી દીધુ હતું. ત્યાંથી ભારતીય નાગરિકોને પાછા લાવવા માટે બચાવ મિશન હેઠળ ફક્ત કેટલાક વિશેષ વિમાનોને જ કાબુલ એરોપર્ટ જવાની મંજૂરી મળી હતી.
બીજી તરફ DGCAએ કોરોનાના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને શેડ્યૂલ્ડ આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઇટ્સ પર 31 ઑક્ટોબર સુધી પ્રતિબંધ વધાર્યો છે. એક નોટિફિકેશનમાં DGCAએ જણાવ્યું કે, આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય ઓલ-કાર્ગો સંચાલન અને વિશેષ રીતે નિયામક દ્વારા અનુમોદિત ઉડાનો પર લાગૂ નહીં થાય.
જો કે શેડ્યૂલ્ડ આંતરરાષ્ટ્રીય ઉડાનોના મામલાના આધારે પસંદગીના માર્ગો પર મંજૂરી મળી શકે છે તેવું DGCAએ જણાવ્યું હતું. કેન્દ્ર સરકારે ગત વર્ષ 23 માર્ચના રોજ કોરોના વાયરસની રોકથામ માટે આંતરરાષ્ટ્રીય ઉડાનોના સંચાલન પર પ્રતિબંધ લગાવ્યો હતો.