ચીનની સાથે મળીને નવું અફઘાનિસ્તાન બનાવવાનું તાલિબાનોનું પ્લાનિંગ, જાણો ડ્રેગનની આની પાછળ શું છે ચાલ?
- ચીનની મદદથી નવુ અફઘાનિસ્તાન બનાવશે તાલિબાનો
- ચીન સાથે તાલિબાન બનાવી રહ્યું છે નવી રણનીતિ
- ચીન તાલિબાન દ્વારા બગરામ એરબેઝને હડપી લેવાનું પણ ષડયંત્ર રચી રહ્યું છે
નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ હવે તાલિબાન નવી સરકારની રચના કરવા જઇ રહી છે. આ દરમિયાન તાલિબાન અને ચીનની મિત્રતાના અહેવાલો વહેતા થયા છે.
તાલિબાનોએ ચીનના ભરપૂર વખાણ કરીને તેને મહાન પાડોશી ગણાવ્યું છે અને ડ્રેગનની આર્થિક મદદથી દેશ ચલાવવાનું સપનું જોઇ રહ્યું છે. તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લા મુઝાહિદે કહ્યું છે કે, તેમનું જૂથ મુખ્યત્વે ચીનની આર્થિક મદદ પર નિર્ભર છે. એક રિપોર્ટ અનુસાર, અફઘાનિસ્તાનમાં 3 ટ્રિલિયન ડોલર એટલે કે લગભગ 200 લાખ કરોડ રૂપિયાની ખનિજ સંપત્તિ છે, જેના પર ચીન ડોળો રાખી રહ્યું છે. આ ઉપરાંત ચીન તાલિબાન દ્વારા બગરામ એરબેઝને હડપી લેવાનું પણ ષડયંત્ર રચી રહ્યું છે.
બીજી તરફ ચીન એક સાથે બે નિશાન સાધવા માંગે છે. તે ઉપરાંત ચીન તાલિબાન સાથે મિત્રતાનો ડોળ કરીને શિનજિયાંગ પ્રાંતમાં આતંકી ગ્રૂપની સક્રિયતાને રોકવા ઇચ્છે છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ મુલ્લા અબ્દુલ ગની સાથે મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, તાલિબાને ETIM સંબંધિત દરેક સંબંધો તોડવા પડશે. આ સંગઠન ચીનની રાષ્ટ્રીય સુરક્ષા તેમજ અખંડતાની સામે સંકટ છે.
ચીનનો એવા દેશોમાં સમાવેશ થાય છે, જે તાલિબાન સરકારને માન્યતા આપવા માટે તૈયાર છે. ત્યારબાદ તાલિબાને પણ ચીનને વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ ઉઈગર મુસ્લિમોના કટ્ટરપંથી તત્વો પર અંકુશ રાખશે અને અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ ચીન વિરુદ્ધ થવા દેશે નહીં.