- બ્રિટનમાં ડ્રાઇવરોની મોટા પાયે અછત
- સમગ્ર બ્રિટનમાં ચીજવસ્તુઓનો પુરવઠો ખોરવાયો
- બ્રિટન સરકારે કામચલાઉ વિઝાની સ્કીમ મૂકી
નવી દિલ્હી: હાલમાં બ્રિટન એક સંકટનો સામનો કરી રહ્યું છે. બ્રિટનમાં ડ્રાઇવરોની અછતને કારણે હાલમાં જીવનજરૂરી ચીજવસ્તુઓનો પૂરવઠો મહદઅંશે ખોરવાઇ ગયો છે અને લોકો પરેશાન થઇ રહ્યા છે. હવે આ સમસ્યાના હલ માટે સરકારે તેની સીઝનલ વર્કરની સ્કીમને વધુ વિસ્તારી છે અને નજીકના યુરોપિયન દેશોનાં ડ્રાઇવરોને આકર્ષિત કરવા માટે 10,000 કામચલાઉ વિઝાની સ્કીમને રજૂ કરી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ડ્રાઇવરોની અછતને કારણે સમગ્ર સપ્લાય ચેઇન ખોરવાઇ ગઇ છે જેથી વિરોધ પક્ષોએ સરકાર પર આરોપ મૂક્યો હતો બ્રેક્ઝિટના કારણે આ સ્થિતિ સર્જાઇ છે. જ્યારે સરકારે દલીલ કરી હતી કે, કોવિડની મહામારીને કારણે કામચલાઉ રીતે સપ્લાય ચેઇનને અસર પહોંચી છે અને લાંબાગાળાનો રોકાણ આવશે તે સાથે જ સમસ્યા હલ થઇ જશે.
દરમ્યાન સરકારે શનિવારે રાત્રે એ વાતનું સમર્થન કર્યું હતું કે ઇંધણની હેરાફેરી કરતી ટ્રકો અને જીવન જરૂરી ચીજવસ્તુઓનું પરિવહન કરતી ટ્રકોના 5000 ડ્રાઇવરોને આગામી ત્રણ મહિના સુધી બ્રિટનમાં કામ કરવા દેવાની મંજૂરી આપવામાં આવી છે.
બ્રિટનમાં પ્રવર્તી રહેલી અછતને દૂર કરવા અમારી સરકાર શક્ય એટલા તમામ પ્રયાસો કરી રહી છે અને દેશના ફૂડ ઇન્ડસ્ટ્રિઝમાં અને પરવહનના ક્ષેત્રે ઉભી થયેવી અછતને પહોંચી વળવા અમે સંખ્યાબંધ પગલાં લીધી છે એમ પરિવહન મંત્રી ગ્રાન્ટ શેપ્સે કહ્યું હતું.