Site icon Revoi.in

વર્ષ 2024ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી ઝંપલાવશે, પૂર્વ સલાહકારે કર્યો દાવો

Social Share

નવી દિલ્હી: વર્ષ 2020ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હારનો સામનો કરવો પડ્યો હતો અને હવે વર્ષ 2024ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી ઝંપલાવશે તેવો દાવો થઇ રહ્યો છે.

ગત વર્ષની અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી વિવાદોથી ભરપૂર રહી હતી. ટ્રમ્પે અનેક સમય સુધી હારનો સ્વીકાર કર્યો ન હતો અને કોર્ટની શરણ પણ લીધી હતી. જો કે ટ્રમ્પ હજુ પણ જલ્દી હાર માની લે તેમ લાગતું નથી. ટ્રમ્પે ભલે વર્ષ 2024માં ચૂંટણી લડશે કે નહીં તે અંગે કોઇ જાહેરાત ના કરી હોય પરંતુ ટ્રમ્પના પૂર્વ સલાહકાર સ્ટીવ બેનને શનિવારે જાહેરાત કરી હતી કે, ટ્રમ્પ 2024માં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઝંપલાવશે. જો કે ટ્રમ્પે આ મામલે ચુપકીદી સેવી છે.

ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન બેનન પહેલા પ્રેસ સેક્રેટરી રહ્યા હતા. તેમણે કહ્યુ હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ફરી મેદાનમાં ઉતરશે અને વાતમાં કોઇ શંકાને સ્થાન નથી. તેમણે ટ્રમ્પનો બચાવ કરતા કહ્યું હતું કે, ટ્રમ્પની કંપની પર ટેક્સ મામલે છેતરપિંડીના જે પણ આરોપ લગાવાયા છે તે બોગસ છે.

ઉલ્લેખનીય છે કે, ન્યૂયોર્ક રાજ્યની સરકાર તરફથી ટેક્સ ચોરીના આરોપ લગાવવામાં આવ્યા છે. જેમાં કહેવાયુ છે કે, ટ્રમ્પની કંપનીએ એપાર્ટમેન્ટના રેન્ટ, કાર અને સ્કૂલ ફી ભરીને અધિકારીઓને 1.7 મિલિયન ડોલરથી વધારેનો ફાયદો કરાવ્યો હતો પણ આ ચૂકવણી કોઈ રેકોર્ડ પર નથી.