રશિયા પાસેથી ભારતની હથિયારોની ખરીદી પર અમેરિકન કોંગ્રેસે આપ્યો આ રિપોર્ટ, જાણો શું કહ્યું?
- રશિયા પાસેથી ભારતની હથિયારોની ખરીદી પર અમેરિકન કોંગ્રેસનો રિપોર્ટ
- રશિયાના હથિયારો વગર ભારતીય સેના અસરકારક રીતે કામ કરી શકે એમ નથી
- ભારતીય હથિયારોની ખરીદીમાં 62 ટકા ફાળો તો રશિયાના હથિયારોનો રહ્યો છે
નવી દિલ્હી: ભારત રશિયા પાસેથી એર ડિફેન્સ સિસ્ટમ એસ-400 ખરીદવા જઇ રહી છે અને અમેરિકા ભારતના આ નિર્ણયનો વિરોધ કરી રહી છે ત્યારે હવે અમેરિકન કોંગ્રેસના એક રિપોર્ટમાં એવું પણ કહેવામા આવ્યું છે કે, રશિયાના હથિયારો વગર ભારતીય સેના બિનઅસરકારક છે.
આ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વર્ષ 2010 બાદ ભારતીય હથિયારોની ખરીદીમાં 62 ટકા ફાળો તો રશિયાના હથિયારોનો રહ્યો છે. ભારતના હથિયારોમાં રશિયાના શસ્ત્રોનો સૌથી વધુ ફાળો જોવા મળ્યો છે. નૌસેનાના 10 ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર જહાજોમાંથી ચાર તો રશિયન છે. આ સિવાયના બીજા 17 યુદ્વ જહાજો પૈકી 6 રશિયન છે. તે ઉપરાંત નૌસેનાએ રશિયા પાસેથી એક ન્યુક્લિયર સબમરિન લીઝ પર પણ લીધેલી છે.
જો કે રિપોર્ટમાં એવું પણ ટાંકવામાં આવ્યું છે કે, વર્ષ 2015 બાદ રશિયન હથિયારોની ખરીદી તો ઓછી થઇ રહી છે જો કે જે હથિયારો અત્યારે ખરીદ્યા છે તેના સપ્લાય માટે પણ ભારતે રશિયા પર નિર્ભર રહેવું પડે તેમ છે.
બીજી તરફ ભારત હવે જ્યારે રશિયા પાસેથી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા જઇ રહ્યું છે ત્યારે અમેરિકા પોતાના કાયદા અનુસાર રશિયા પાસેથી હથિયારો ખરીદતા દેશો પર પ્રતિબંધ મૂકતું હોય છે. આવામાં હવે ભારત પર પણ અમેરિકા પ્રતિબંધ મૂકે તેવી શક્યતા વર્તાઇ રહી છે.