Site icon Revoi.in

ભારતના 75માં સ્વાતંત્ર્ય દિવસની શાનદાર ઉજવણી: ન્યૂયોર્કના ટાઇમ્સ સ્કેવરમાં સૌથી મોટો તિરંગો ફરકાવાશે

Social Share

નવી દિલ્હી: ભારતના 75માં સ્વાતંત્ર્ય દિવસને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે વિદેશમાં પણ તેની ઉજવણીની જોરદાર તૈયારી ચાલી રહી છે. અમેરિકાના ન્યૂયોર્કના ટાઇમ્સ સ્કેવર ખાતે ભારતના સ્વાતંત્ર્ય દિવસની શાનદાર ઉજવણી થવાની છે.

આ વર્ષે અત્યાર સુધીનો સૌથી મોટો તિરંગો ટાઇમ્સ સ્કેવરમાં ફરકાવાવમાં આવશે. આ તિરંગો 25 ફૂટ ઉંચા પોલ પર ફરકાવાશે. જેની લંબાઇ 10 ફૂટ અને પહોળાઇ 6 ફૂટ હશે. ભારતના અમેરિકા સ્થિત કોન્સ્યુલ જનરલના હસ્તે આ તિરંગો ફરકાવવામાં આવશે.

ફેડરેશન ઑફ ઇન્ડિયન એસોસિએશન નામના સંગઠન દ્વારા દિવસ દરમિયાન અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત ન્યૂયોર્કના ખ્યાતનામ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગને પણ તિરંગાના રંગોથી રોશન કરાશે.

નોંધનીય છે કે, સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સાંજના સમયે ન્યૂયોર્કની હડસન નદીમાં એક ક્રૂઝનું આયોજન કરાયું છે. તેમાં VIP અતિથિઓ હાજરી આપશે. સ્વાતંત્ર્ય પર્વે યોજાનારા સમારોહમાં ભારતીય મૂળના અમેરિકન ચેસ પ્લેયર અને સૌથી નાની વયના ગ્રાન્ડ માસ્ટર અભિમન્યુ મિશ્રા પણ હાજરી આપશે. તેની વય માત્ર 12 વર્ષની છે.