- ચીને પોતાની ઘૂસણખોરીની ચાલ હવે ફિલિપાઇન્સમાં પણ અપનાવી
- ચીનના આશરે 220 લશ્કરી જહાજો દક્ષિણ ચીન સમુદ્રમાં ફિલિપાઇન્સની જળસીમામાં ઘૂસણખોરી
- ચીનના જહાજ ફિલિપાઇન્સની જળસીમામાં ઘૂસી આવતા ફિલિપાઇન્સ ધૂંઆપૂંઆ
નવી દિલ્હી: ચીન પોતાની ઘૂસણખોરીની ચાલ અનેક વિસ્તારોમાં અપનાવતું રહે છે અને હવે ચીને ફિલિપાઇન્સની જળસીમામાં પણ ઘૂસણખોરીને અંજામ આપ્યો છે. ચીનના આશરે 220 લશ્કરી જહાજો દક્ષિણ ચીન સમુદ્રમાં ફિલિપાઇન્સની જળસીમામાં ઘૂસી આવતા ફિલિપાઇન્સ ધૂંઆપૂંઆ થયું છે. આ સમુદ્રીય વિસ્તારમાં આવેલી વ્હીટસન રીફમાં આ જહાજોએ પ્રવેશ કર્યો છે અને વ્હીટ્સન રીફ પર ફિલિપાઇન્સની દાવેદારી છે, જો કે થોડાં કેટલાંક સમયથી વ્હીટ્સન રીફ પર ચીન પણ દાવેદારી કરી રહ્યું છે. ફિલિપાઇન્સે હાલમાં ચીનને પીછેહઠ કરવા માટે ચેતવણી આપી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વ્હીટસન રીફને ફિલિપાઇન્સ દ્વારા જુલિયન ફિલિપે નામ આપવામાં આવ્યું છે. પશ્વિમ ફિલિપાઇન્સના દરિયામાં આ વિસ્તાર 175 નોટિકલ માઇલનો વિસ્તાર ધરાવે છે અને અહીં પવાળાના ટાપુઓ છે.
ફિલિપાઇન્સના સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન પ્રમાણે ચીનના 200થી પણ વધુ જહાજોએ ફિલિપાઇન્સનીની જળસીમામાં પ્રવેશ કર્યો હતો. જેથી તેમના દ્વારા ચીનને સૂચના આપવામાં આવી હતી કે તેઓ આ જહાજોને પરત બોલાવી લે, કારણ કે તેઓ ફિલિપાઇન્સની જળ અધિકારીઓનું હનન કરી સ્વાયત્ત વિસ્તારમાં ઘૂસણખોરી કરી રહ્યા છે.
ફિલિપાઇન્સ દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી છે કે આટલી મોટી સંખ્યામાં ચાઇનીઝ જહાજો આવવાના કારણે દરિયાઇ પર્યાવરણને નુકસાન પહોંચવાની સંભાવના છે તેમજ તેઓ અતિશય પ્રમાણમાં માછીમારી કરે તેવો પણ ભય છે.
ઉપરાંત આ વિસ્તાર ફિલિપાઇન્સનો એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન છે. જેના કારણે આ વિસ્તારને નુકસાન થાય તેમ છે. અત્યારે ફિલિપાઇન્સની પ્રાથમિકતા છે કે આ વિસ્તારના નાગરિકો અને તેમાં પણ ખાસ કરીને માછીમારોની સુરક્ષા કરે.
(સંકેત)