અફઘાનિસ્તાનમાં હજુ પણ અનેક યુનિવર્સિટીઓ બંધ, તેની પાછળ આર્થિક સંકટ હોવાનું તાલિબાને કારણ આપ્યું
- અફઘાનિસ્તાનમાં અનેક યુનિવર્સિટીઓ હજુ પણ બંધ
- યુનિવર્સિટીઓ બંધ હોવાનું કારણ આર્થિક સંકટ
- તાલિબાને આ નિવેદન આપ્યું
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં હજુ પણ અનેક યુનિવર્સિટીઓ બંધ છે અને કેટલીક યુનિવર્સિટીઓ ખોલવામાં આવી નથી. અફઘાનિસ્તાનમાં યુનિવર્સિટી ના ખુલવા પાછળ આર્થિક સંકટનું કારણ હોવાનું તાલિબાન જણાવી રહ્યું છે. તાલિબાનના ઉચ્ચ શિક્ષણ પ્રધાન અબ્દુલ બાકી હક્કાનીએ જણાવ્યું કે, તેઓને છોકરીઓ માટે અલગ વર્ગો બનાવવા અને વધારાના લેક્ચરર્સની ભરતી કરવા માટે વધુ સમયની જરૂર પડશે.
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ તાલિબાને ત્યાં સહ-શિક્ષણ પર પ્રતિબંધ મૂક્યો છે. તાલિબાનોએ એવો પણ આદેશ આપ્યો છે કે, હવે છોકરીઓને યુનિવર્સિટીમાં છોકરાઓની જેમ વર્ગમાં બેસવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ ઉપરાંત તાલિબાને કહ્યું કે, જો મહિલાઓને લાંબા અંતરની મુસાફરી કરવી પડશે તો તેમને નજીકના પુરુષ સંબંધી સાથે જવું પડશે.
તમામ વાહન માલિકોએ માત્ર ઇસ્લામિક હિજાબ પહેરેલી મહિલાઓને જ તેમના વાહનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવી જોઈએ. તાલિબાનના આ પગલાની માનવાધિકાર કાર્યકર્તાઓએ ટીકા કરી છે.
નોંધનીય છે કે, આ માર્ગદર્શિકા તાલિબાન દ્વારા એવા સમયે રજૂ કરવામાં આવી છે જ્યારે, થોડા અઠવાડિયા પહેલા, તેણે અફઘાનિસ્તાનમાં ટેલિવિઝન ચેનલોને મહિલાઓ સાથેની સિરિયલો અને ફિલ્મો બતાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો.