- આ વખતે પ્રથમવાર 152 વર્ષ જૂની પરંપરા તૂટશે
- અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઇડેનની શપથવિધિમાં નહીં થાય સામેલ
- હું 20 જાન્યુઆરીએ ઉદ્વાટનમાં ભાગ લઇશ નહીં: ટ્રમ્પ
વોશિંગ્ટન: આ વખતે પ્રથમવાર 152 વર્ષ જૂની પરંપરા તૂટશે. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઇડેનની શપથવિધિ સમારોહમાં ભાગ લેશે નહીં. તેમણે ટ્વીટ કહ્યું હતું કે, જેમણે પણ મને પૂછ્યું છે તે માટે કહું છું કે, હું 20 જાન્યુઆરીએ ઉદ્વાટનમાં ભાગ લઇશ નહીં. 1869માં અમેરિકાના 17માં રાષ્ટ્રપતિ એન્ડ્રુ જહોનસન પછી ટ્રમ્પ એવા પ્રથમ પ્રેસિડન્ટ હશે જો પોતાના ઉત્તરાધિકારીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ નહીં લે.
અમેરિકામાં વર્ષોથી ચાલતી શપથવિધિ સમારોહની પરંપરા પ્રમાણે અમેરિકાના દરેક રાષ્ટ્રપતિ તેમના કાર્યકાળ પછી નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થાય છે. વર્ષ 2016માં તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા. વર્ષ 2009માં બરાક ઓબામાના શપથ ગ્રહણ સમારોહમાં રિપબ્લિકન પાર્ટીના જ્યોર્જ ડબલ્યુ બુશે પણ હાજરી આપી હતી.
યુ.એસ.ના કેટલાક ધારાસભ્યો રાષ્ટ્રપતિ પદનો કાર્યકાળ પુરો થાય તે પહેલાં કેપિટલમાં ટ્રમ્પ સમર્થકોની હિંસા બાદ તેમને હટાવવાની તૈયારી કરી રહ્યા છે. સીએનએન અનુસાર ટ્રમ્પને મહાભિયોગ લગાવવા અને તેમને પદ પરથી હટાવ્યા બાદ સેનેટ તેમને ભવિષ્યમાં ફેડરલ ઓફિસમાં પાછા ફરતા અટકાવી શકે છે. સેનેટનો મત તેમને કાયમ માટે અયોગ્ય ઠેરવશે. દેશના બંધારણના 25માં સુધારણા હેઠળ ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ અને મંત્રીમંડળના બહુમતીને ટ્રમ્પને પદ પરથી હટાવવા માટે મત આપવો પડશે. ‘પોતાના પદ પર તાકાત અને ફરજો નિભાવવા’ માં અસ્થિરતાને ટાંકીને જો આમ કરવામાં આવશે તો તે એક મોટું પગલું હશે.
ગુરુવારે યુ.એસ.માં થયેલી હિંસાને પગલે ડોનાલ્ડ ટ્રમ્પના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સને ઓછામાં ઓછા બે અઠવાડિયા અથવા શક્યતઃ અનિશ્ચિતકાળ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સમય દરમિયાન ટ્રમ્પ આ બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના એકાઉન્ટને એક્સેસ કરી શકશે નહીં.
(સંકેત)