- સંયુક્ત આરબ અમીરાત સરકારની માનવીય પહેલ
- હવે ફ્રંટલાઇન વર્કર્સને તેઓની કામગીરી માટે ગોલ્ડન વીઝા આપશે
- UAE સરકારની આ પહેલથી ફ્રંટલાઇન વર્કર્સ પ્રોત્સાહિત થશે
નવી દિલ્હી સંયુક્ત આરબ અમીરાતની સરકારે કોવિડ વિરુદ્વની લડાઇમાં ખડેપગે રહેનારા ફ્રંટલાઇન વર્કર્સ માટે મહત્વની જાહેરાત કરી છે. સરકાર આ લોકોને ગોલ્ડ વીઝાની ભેટ આપશે. UAE સરકારે કહ્યું કે, તેઓ કોરોના મહામારી સામેની જંગમાં ફ્રંટલાઇન હીરોઝના આ પ્રયાસોને આવકારે છે.
એક મીડિયા અહેવાલ અનુસાર, તાજેતરમાં એક માર્ગદર્શિક જાહેર કરાઇ છે. તેમાં એવું કહેવામાં આવ્યું છે કે, જે લોકોએ કોવિડને કારણે જીવ ગુમાવ્યો હોય અથવા જીવલેણ વાયરસથી દેશને બચાવવામાં લડત આપી હોય તે લોકોને ગોલ્ડન વીઝા આપવામાં આવશે. લાઇસન્સ પ્રાપ્ત તબીબો જુલાઇ 2021થી સપ્ટેમ્બર 2022 દરમિયાન સત્તાવાર વેબસાઇટ Smartservices.gov.ae પર અરજી કરી શકે છે.
રિપોર્ટ પ્રમાણે, લાંબા સમય મર્યાદાની વીઝા આપનાર વિભાગ વીઝા આપતા પહેલા અરજીની સંપૂર્ણપણે તપાસ કરશે. સરકારના આ માનવીય પગલાંથી ફ્રંટલાઇન વર્કર્સ અને તેમના પરિવારોમાં સ્થિરતાનો માહોલ જોવા મળશે અને તે લોકો પ્રોત્સાહિત થશે.
આપને જણાવી દઇએ કે કોઇપણ વિદેશી નાગરિક કોઇપણ કંપનીની સ્પોન્સરશિપ વગર ત્યાં રહી શકે તે માટે UAE સરકારે ગોલ્ડન વિઝા પ્રોગ્રામની શરૂઆત કરી હતી. 25 વર્ષ સુધીના યુવાનો જે કામ કરવા માંગે છે તેમનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. અગાઉ ઘણાં ઓછા લોકોને લાંબા સમય સુધી યુએઇમાં રહેવાની તક મળતી હતી.