- યુએનના સેક્રેટરીની ચેતવણી
- વિશ્વમાં બને એટલું ઝડપી વેક્સિનેશન પૂરું કરો
- બાકી કોવિડના નવા નવા વેરિએન્ટ્સ આવતા રહેશે
નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોવિડના કેસો સતત વધી રહ્યા છે અને અનેક દેશોમાં તો રોજના 1 લાખથી વધુ કેસ આવી રહ્યા છે ત્યારે આ વચ્ચે યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરસે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં વિશ્વના દેશોને ચેતવણી આપી હતી કે જો દરેક વ્યક્તિનું વેક્સિનેશન નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં વધારે તકલીફ થઇ શકે છે. તેમણે વેક્સિનેશનના મહત્વ પર ભાર મૂક્યો હતો.
યુએનના સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરસે કહ્યું કે, કોવિડ-19 મહામારીનો સામનો સમાનતા તેમજ નિષ્પક્ષતાથી થાય તે આવશ્યક છે. જ્યાં સુધી આપણે વિશ્વના દરેક વ્યક્તિને વેક્સિન આપવામાં નિષ્ફળ રહીશું ત્યાં સુધી તેના કોરોનાના નવા વેરિએન્ટ્સ આવતા રહેશે. આ દરેક વેરિએન્ટ્સ લોકોના જીવન અને અર્થતંત્રને પ્રભાવિત કરતા રહેશે તેવી પણ તેમણે ચેતવણી આપી હતી.
વર્ષ 2022 વર્લ્ડ ઇકોનોમિક ફોરમ બેઠકના ઉદ્વાટન સત્રને સંબોધિત કરતી વખતે ગુટેરસે કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં તેમણે એક આસાન પણ કડવું સત્ય દર્શાવ્યું છે કે જો આપણે કોઇને પાછળ છોડી દઇએ તો બધાને પાછળ છોડી શકીએ છીએ. તેમણે કહ્યું કે, અમે 2022ને સુધારાનું વાસ્તવિક વર્ષ બનાવવા માટે અને રોગચાળા સામે લડવા માટે એક સાથે ઊભા રહેવાનું આહ્વાન કર્યું છે.
યુએન સેક્રેટરી જનરલે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, વિકસિત દેશોમાં રસીકરણનો દર આફ્રિકન દેશો કરતાં સાત ગણો વધારે છે.