નવી દિલ્હી: ભારત હવે ક્લાઇમેટ ચેંજ મામલે વિશ્વના અનેક દેશો સામે ઉભુ છે. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ક્લાઇમેટ ચેન્જને વૈશ્વિક સુરક્ષા પડકાર સાથે જોડવા માટે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે પ્રસ્તાવ મૂક્યો હતો જેને ભારત, રશિયાએ ફગાવી દીધો છે. પ્રસ્તાવ દરમિયાન ચીન તો હાજર રહ્યું ન હતું, પરંતુ ચીને પણ બહારથી આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. નાઇઝીરીયાઅને આયર્લેન્ડ આ પ્રસ્તાવ લઇને આવ્યા હતા.
ક્લાઇમેટ ચેન્જને લઇને ભારતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યું કે, આ મુદ્દે વિકાસશીલ દેશોનું હિત પણ ધ્યાનમાં રાખવામાં આવે તે જરૂરી છે. ભારતે પ્રસ્તાવ ફગાવતા તેની જરૂરિયાત ના હોવાનો મત વ્યક્ત કર્યો હતો. ભારતના વલણ પર કોઇપણ પ્રકારની ગફલત વિશ્વને હોવી જોઇએ નહીં. આ પ્રકારના પ્રસ્તાવ વિશ્વનું ધ્યાન ભટકાવવા માટે છે.
અત્રે જણાવવાનું કે આ પહેલા પણ ગ્લાસગૉ સમિટમાં પણ ભારતે પોતાની તાકાત બતાવી હતી. મોટા મોટા દેશો સામે પડીને ભારતે પ્રસ્તાવમાં બદલાવ કરાવ્યો હતો અને વિકાસશીલ દેશો માટે કોલસાનો ઉપયોગ બંધ કરવાના પ્રસ્તાવ સામે જબરદસ્ત વિરોધ નોંધાવ્યો હતો.