- ભારતની રશિયા સાથેની રક્ષા ડીલથી અમેરિકા નારાજ
- ભારત પર પ્રતિબંધ લગાવવાની આપી ચેતવણી
- અમેરિકી કોંગ્રેસના એક રિપોર્ટમાં આ ચેતવણી અપાઇ
વોશિંગ્ટન: ભારતની રશિયા સાથેની રક્ષા ડીલ એ અમેરિકાને જરાય પસંદ આવી રહ્યું નથી. અમેરિકી કોંગ્રેસના એક રિપોર્ટ અનુસાર ભારત દ્વારા રશિયા પાસેથી એસ-400 એ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાના કારણે અમેરિકા તેના પર પ્રતિબંધ લગાવી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, ભારત ટેક્નોલોજી ક્ષેત્રમાં ભાગીદારી તેમજ સંયુક્તપણે ઉત્પાદન કરનારી યોજનાઓ અંગે ઉત્સુક છે જ્યારે અમેરિકા ભારતની રક્ષાનીતિમાં કંઇક વધુ સુધારાની અપેક્ષા રાખે છે.
રિપોર્ટમાં એવી પણ ચેતવણી અપાઇ છે કે એસ-400 ડીલના કારણે અમેરિકા કાઉન્ટિંગ અમેરિકાઝ એડવરસરીઝ થ્રુ સેંક્શન્સ એક્ટ એટલે કે પ્રતિબંધો દ્વારા મુકાબલો કરવાના સંબંધિત કાયદા હેઠળ ભારત પર પ્રતિબંધ લગાવી શકે છે. આમ તો સીઆરએસ રિપોર્ટ અમેરિકી કોંગ્રેસનો અધિકૃત રિપોર્ટ હોતો નથી. તે સ્વતંત્ર વિશેષજ્ઞો દ્વારા સાંસદો માટે તૈયાર કરવામાં આવે છે. જેથી કરીને તેને સમજી લીધા બાદ સમજી વિચારીને નિર્ણય લઇ શકે છે. જો કે રિપોર્ટમાં અપાયેલી ચેતવણી ચિંતાનો વિષય કહી શકાય.
આપને જણાવી દઇએ કે ભારત અને રશિયા રણનીતિક ભાગીદાર છે અને ભારત પોતાની રક્ષા જરૂરિયાતો પૂરી કરવા માટે રશિયા સાથે ડીલ કરતું આવ્યું છે. ઑક્ટોબર 2018માં ભારતે ટ્રમ્પ પ્રશાસનની ચેતવણીને નજરઅંદાજ કરીને ચાર એસ-400 ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે રશિયા સાથે 5 અબજ ડોલરની ડીલ કરી હતી.
અમેરિકાની આ ચેતવણી ભારત માટે ચિંતાનો વિષય એ માટે બની શકે છે કારણ કે થોડા સમય પહેલા જ અમેરિકાએ આ સિસ્ટમ ખરીદનારા તુર્કી પર પ્રતિબંધ લગાવ્યા છે. જો કે ભારત સાથેના સંબંધો તુર્કીની સરખામણીએ વધુ સારા છે, પરંતુ જો બાઇડેન ભારત માટે શું વલણ ધરાવે છે, તે તો પછી જ ખબર પડશે. રશિયાએ સ્પષ્ટ કર્યું છે કે, અમેરિકાની ધમકીઓની આ ડીલ પર કોઇ અસર પડશે નહીં.
(સંકેત)