રશિયા યુક્રેન પર હુમલો કરે તો યુએસ પણ રશિયા પર કરશે આકરી કાર્યવાહી, જાણો શું છે સ્થિતિ?
નવી દિલ્હી: યુક્રેનને લઇને અમેરિકા અને રશિયા વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અગાઉ અમેરિકી વિદેશી મંત્રી એન્ટની બ્લિંકન રશિયાને ચિમકી આપી ચૂક્યા છે.
યુક્રેન પર જે સંકટના વાદળો છવાયા છે તેમાં આ સંકટને પહોંચી વળવા માટે અમેરિકા યુક્રેનને સંપૂર્ણ સમર્થન આપી રહ્યું છે અને હવે યુક્રેનની મદદ માટે 200 મિલિયન ડોલરનું પહેલું ડિફેન્સ કન્સાઇનમેન્ટ કિવ પહોંચી ગયું છે. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન પણ આ સપ્તાહે કિવ અને યુક્રેનના પશ્વિમી સહયોગીઓને મળ્યા હતા. 1 લાખ રશિયન સૈનિકો હાલમાં યુક્રેનની સરહદ પર ઉભા છે.
યુએસ હાઇ કમિશનરે યુક્રેનને મદદની તૈયારી અંગે કહ્યું હતું કે, યુએસ યુક્રેનને એવી મદદ કરવાનું ચાલુ રાખશે જે યુક્રેનની સૈન્ય દળને મદદ કરી શકે. આ સમયે આ સહાય યુક્રેનને રશિયન આક્રમણ સામે તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાની રક્ષા કરવામાં મદદ કરશે.
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને પણ ટ્વીટ કરીને આ મદદ માટે નાટો સહયોગી દેશોનો આભાર માન્યો છે. અમે નાટો સહયોગી સ્ટોનિયા, લાતવિયા અને લિથુઆનિયાને, યુક્રેનની સહાયને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. આ રાષ્ટ્રો દ્વારા આપવામાં આવતી મદદ યુક્રેનને રશિયાના બેજવાબદાર આક્રમણથી પોતાનો બચાવ કરવામાં મદદ કરશે. અમે તેમની મદદ માટે તેમને સલામ કરીએ છીએ.
યુક્રેનને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે શુક્રવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જો કે, આ બેઠક અનિર્ણિત રહી અને બંને દેશોએ કહ્યું કે તેનાથી કોઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ નથી. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ જિનીવામાં લગભગ દોઢ કલાક સુધી મળીને સચોટ વિપરીત માંગણીઓ પર ચર્ચા કરી.
યુક્રેનના સમર્થનમાં અમેરિકા, બ્રિટન સહિત નાટો દેશોના ઘણા યુદ્ધ જહાજો આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આ યુદ્ધ જહાજોના આવવાથી સમગ્ર કાળા સમુદ્ર વિસ્તારમાં તણાવ વધુ વધી શકે છે. એક મિડીયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો રશિયા ભવિષ્યમાં કોઈ સૈન્ય કાર્યવાહી કરે છે તો આ યુદ્ધ જહાજો મોટી ભૂમિકા ભજવી શકે છે.