Site icon Revoi.in

બાયડન એક્શનમાં, એરસ્ટ્રાઇક બાદ આ દેશને આપી ચેતવણી

Social Share

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને રાષ્ટ્રપતિ પદ તરીકેના શપથ ગ્રહણ કરતાની સાથે જ તેઓ એક્શનમાં આવી ગયા છે. બાયડને અનેક દેશોમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. બાયડને સિરીયામાં એરસ્ટ્રાઇક બાદ ઇરાનને ધમકી આપી છે. બાયડને કહ્યું કે, અમેરિકાને નુકસાન પહોંચાડવા અને અમેરિકાના આર્મીને ધમકી આપનારા મિલિશીયાના સમૂહોનું ઇરાન સમર્થન કરે છે તો પરિણામ ભોગવવા તૈયાર રહે. બાયડને હવાઇ હુમલાઓને સંપૂર્ણપણે કાયદાકીય ગણાવ્યા છે.

એક દિવસ અગાઉ અમેરિકાની સેનાએ સીરિયામાં ઇરાન સમર્થિત સમૂહ મિલિશીયા પર હુમલા કર્યા હતા. આ હુમલો ઇરાકમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કરવામાં આવેલ હુમલાની પ્રતિક્રિયા તરીકે કરવામાં આવ્યો હતો. અમેરિકાના આ હુમલામાં 17 આતંકીઓના ઢીમ ઢાળી દેવામાં આવ્યા હતા. પેન્ટાગોન અનુસાર સીરિયાના 7 ઠેકાણાઓ પર બોમ્બ વર્ષા કરવામાં આવી હતી.

મહત્વનું છે કે, અમેરિકામાં આ હુમલા મામલે એક બીજું જ સંકટ ઉપસ્થિત થયું છે. બાયડનની જ પાર્ટીના કેટલાક કોંગ્રેસ સદસ્યોએ આ હુમલાની ટીકા કરી છે. ડેમોક્રેટ્સનું કહેવું છે કે કાયદાશાસ્ત્રીઓની પરવાનગી લીધા વગર આ હુમલા કરવામાં આવ્યા હતા.

(સંકેત)