- અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસી બાદ બાઇડેનનું નિવેદન
- અમારું મિશન સફળ રહ્યું
- આતંકવાદ સામેની લડાઇ ચાલુ રહેશે
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની છેલ્લી ટૂકડીએ પણ મંગળવારે ઘરવાપસી કરી છે. આ સાથે જ અફઘાનિસ્તાનમાં અમેરિકાના 20 વર્ષના અભિયાનનો અંત આવ્યો છે. આ અંગે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે, અમારું મિશન સફળ રહ્યું. અફઘાનિસ્તાન ખાલી કરાવવાની કામગીરીની સફળતાનો શ્રેય અમારી સેનાને જાય છે જેણે નિ:સ્વાર્થ હિંમત દર્શાવી હતી. અમેરિકી સૈન્યએ અન્ય લોકોની સેવા અર્થે પોતાનો જીવ જોખમમાં મૂક્યો. ઇતિહાસમાં આવું કોઇ દેશે નથી કર્યું, જે અમેરિકાએ કર્યું છે અને તે દેશ માટે ગૌરવની વાત છે.
બાઇડને કહ્યું કે, અમેરિકી સૈનિકોએ અફઘાનિસ્તાનમાંથી 1.25 લાખ લોકોને બહાર કાઢ્યા છે. જે લોકો અફઘાનિસ્તાન છોડવા માંગતા હતા તેમને બહાર કાઢવામાં મદદ કરવામાં આવી.
તાલિબાનોએ કબજો મેળવ્યા બાદ 5,500 અમેરિકન નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા હતા, કેટલાક લોકો હજુ પણ ત્યાં છે. જેઓ આવવા માંગે છે, અમે તેમને પાછા લાવીશું.”
બાઇડને સૈનિકોને બહાર કાઢવા અંગે કહ્યું હતું કે, હું આ નિર્ણયની જવાબદારી લઉં છું. હું માનું છું કે તે સાચો, સમજદાર અને શ્રેષ્ઠ નિર્ણય છે. અફઘાનિસ્તાનમાં યુદ્વ હવે સમાપ્ત થઇ ગયું છે. હું આ યુદ્વને કેવી રીતે સમાપ્ત કરવું તે મુદ્દાનો સામનો કરનારો ચોથો રાષ્ટ્રપતિ છું. મે અમેરિકનોને આ યુદ્વનો અંત લાવવાનું વચન આપ્યું હતું, મેં તે પાળ્યું.
અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે અમે અફઘાનિસ્તાન અને અન્ય દેશોમાં આતંકવાદ સામેની લડાઈ ચાલુ રાખીશું. તેમણે કહ્યું, “હું એ સ્પષ્ટ કરવા માંગુ છું કે જેઓ અમેરિકાને નુકસાન પહોંચાડવા માંગે છે અથવા જેઓ આપણા સાથીઓ સામે આતંકવાદમાં સામેલ છે, તો આવી સ્થિતિમાં અમેરિકા ક્યારેય શાંત નહીં બેસે. અમે ન તો માફ કરીશું અને ન ભૂલીશું. અમે તમને ગમે ત્યાંથી શોધી કાઢશું અને તમારે તેની કિંમત ચૂકવવી જ પડશે.”
તેમણે કહ્યું, “અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકો પાછા ખેંચવાનો નિર્ણય આપણા દેશના નાગરિકો, લશ્કરી સલાહકારો, સર્વિસ ચીફ્સ અને કમાન્ડરોની સર્વસંમતિની ભલામણ પર આધારિત હતો.”