Site icon Revoi.in

બ્રિટનમાં ભાગેડુ વિજય માલ્યાની મુશ્કેલી વધી, આ કારણોસર હવે ઘર ખાલી કરવાની નોબત આવી

Social Share

નવી દિલ્હી: ભારતની બેંકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડીને બ્રિટન ભાગી જનાર ભાગેડુ આર્થિક અપરાધી વિજય માલ્યાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. બ્રિટનની કોર્ટે વિજય માલ્યાને ઝટકો આપતા લંડનમાં તેના આલીશાન મકાનમાંથી બહાર કાઢવાના આદેશ પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી હતી. સ્વિસ બેંક UBS સાથે લાંબા સમયથી ચાલી રહેલા કાયદાકીય વિવાદમાં માલ્યાનું ઘર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

ઘર ખાલી કરવાના આદેશ સામે માલ્યાએ સ્ટે માટે કોર્ટમાં અરજી કરી હતી, જો કે, બ્રિટિશ કોર્ટે મંગળવારે લંડનના વૈભવી ઘરમાંથી બહાર કાઢવાના આદેશ પર સ્ટે માંગતી અરજીની ફગાવી દીધી હતી.

ચુકાદામાં લંડન હાઇકોર્ટના ચેન્સરી વિભાગના જજ મેથ્યુ માર્શે કહ્યું કે, માલ્યા પરિવારને બાકી રકમ ચૂકવવા માટે વધારાનો સમય આપવાનું કોઇ કારણ નથી. અર્થાત માલ્યાને આ પ્રોપર્ટીમાંથી બહાર કરી શકાય છે. આપને જણાવી દઇએ કે માલ્યાએ આ સ્વિસ બેંકની 2.04 કરોડ પાઉન્ડની લોન પરત કરવાની છે.

આપને જણાવી દઇએ કે વર્ષ 2016માં માલ્યા  યુકે ફરાર થઇ ગયો હતો અને તે 9,000 કરોડ રૂપિયાની લોનની ગેરરીતિ અને મની લોન્ડરિંગના કેસમાં ભારતમાં વોન્ટેડ છે. આ ઘણી બેંકોએ આ લોન કિંગફિશર એરલાઇન્સને આપી હતી. 65 વર્ષીય માલ્યા હાલમાં બ્રિટનમાં જામીન પર બહાર છે.

અત્રે જણાવવાનું કે, ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના ભાગેડુ કેસમાં સુનાવણી જસ્ટિસ યુ યુ લલિત અને જસ્ટિસ હૃષિકેશ રોયની બેન્ચની ગેરહાજરીને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ ભારતથી ભાગી ગયા બાદ બ્રિટનમાં રહેતા ઉદ્યોગપતિ વિજય માલ્યા સામે કાર્યવાહીના કેસની સુનાવણી કરવાની હતી. કોર્ટે આ નિર્ણય 30 નવેમ્બર 2021ના રોજ વિદેશ મંત્રાલય પાસેથી મળેલી માહિતીના આધારે લીધો હતો.