Site icon Revoi.in

કોરોનાના વેરિએન્ટને લઇને WHO પ્રમુખની આગાહી, ઓમિક્રોન અંતિમ નથી, હજુ બીજા અનેક વેરિએન્ટ આવશે

Social Share

નવી દિલ્હી: સમગ્ર વિશ્વને કોરોનાએ ફરીથી ભરડામાં લીધુ છે. ઓમિક્રોન વેરિએન્ટની દહેશત અને ફફડાટ જોવા મળી રહ્યો છે ત્યારે આ વચ્ચે વધુ એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અદનોમ ગ્રેબેયસસે ચેતવણી આપી છે કે, ઓમિક્રોન વિશ્વમાં છેલ્લો વેરિએન્ટ નથી, હજુ પણ કોરોનાના બીજા પણ વેરિએન્ટ આવતા રહેશે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ એદનોમ ગેબ્રેયસસે કહ્યું કે, વિશ્વમાં ઓમિક્રોન છેલ્લો નહીં હોય, ઓમિક્રોન પછી બીજા ઘણા વેરિએન્ટ વિશ્વમાં આવતા રહેશે અને લોકોને રંજાડતા રહેશે.

સાંપ્રત પરિસ્થિતિ અંગે વાત કરતા WHO પ્રમુખે ઉમેર્યું કે, વિશ્વમાં હાલમાં જે સ્થિતિ છે તે નવા વેરિએન્ટને જન્મ આપવા માટે પૂરતી છે. ઓમિક્રોન આવ્યા બાદ વિશ્વમાં 8 કરોડથી વધુ કેસ આવ્યાં. આ કેસની સંખ્યા 2020 કરતાં પણ વધારે છે. આ મહામારી સાથે જોડાયેલા અનેક વેરિએન્ટ ભવિષ્યમાં આવતા રહેશે.

જો કે WHO ચીફ ટેડ્રોસ અદનોમે કહ્યું કે, જો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને તમામ દેશો સંયુક્તપણે લડત આપે તો આ મહામારીનો ખતરો 2022માં ખતમ થઇ શકે છે.

WHOએ ચેતવણી પણ આપી હતી કે, ઓમિક્રોનને હળવાશમાં લેવાની ભૂલ ના કરવી જોઇએ. WHOના ટેકનિકલ લીડ મારિયા વાન કેરખોવે જણાવ્યું કે, ઓમિક્રોન ખૂબ જ ઝડપથી ફેલાઇ રહ્યો છે અને ઝડપથી ફેલાવવાના કિસ્સામાં ઓમિક્રોન અન્ય પ્રકારોને બદલી રહ્યું છે જો કે તે બધાને નહીં થાય.

ઓમિક્રોન ડેલ્ટા કરતાં ઓછો ખતરનાક છે તેમ છતાં આ રોગની અસર લોકોમાં જોવા મળી રહી છે. અનેક લોકોનાં મોત નિપજ્યા છે. જે લોકો મોટી ઉંમરના છે. જેમને રસી આપવામાં આવી નથી અને ગંભીર બીમારીથી પીડિત છે.