નવી દિલ્હી: વિશ્વભરની ટેક કંપનીઓમાં ભારતીયોનો દબદબો અને વર્ચસ્વ વર્ષોથી જોવા મળી રહ્યું છે. હવે આ યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે. એક ભારતીયને ગૂગલના નવા બ્લોકચેન વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. એન્જિનિયર શિવકુમાર વેંકટરામનને ગૂગલમાં વરિષ્ઠ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. શિવકુમાર વેંકટરામન ગૂગલના બ્લોકચેન અને અન્ય નેકસ્ટ-જનર કોમ્પુયટિંગ અને ડેટા સ્ટોરેજ ટેક્નોલોજીની જવાબદારી સંભાળશે. તેઓ 20 વર્ષથી ગૂગલમાં કાર્યરત છે.
એન્જિનિયર શિવકુમાર વેંકટરામનના ટોપ બોસ સુંદર પિચાઇ હશે, જે ભારતીય છે. સુંદર પિચાઇ આલ્ફાબેટના સીઇઓ છે. એવું લાગે છે કે Googleનું ફોકસ Web3 પર છે, જે બ્લોકચેન પર કામ કરે છે. ક્રિપ્ટોકરન્સી અને NFTs પણ આ સિસ્ટમ પર કામ કરે છે.
52 વર્ષીય શિવકુમાર વેંકટરામન હૈદરાબાદના રહેવાસી છે. તેમણે વર્ષ 1990માં IIT ચેન્નાઇમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં સ્નાતકની ડિગ્રી હાંસલ કરી છે. જે પછી તેઓ કોમ્પ્યુટર સાયન્સમાં ડોક્ટરેટ માટે યુનિવર્સિટી ઑફ વિસ્કોન્સિન મેડિસિન ગયા.
આ સાથે શિવકુમાર વેંકટરામનનું નામ પણ તાજેતરમાં નિયુક્ત ચેનલના સીઈઓ લીના નાયર અને ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલની યાદીમાં જોડાઈ ગયું છે. બાર્કલેઝે સીએસ વેંકટકૃષ્ણનને તેમના સીઈઓ તરીકે નિયુક્ત કર્યા છે. ગયા વર્ષે 1 નવેમ્બરે તેમની નિમણૂક કરવામાં આવી હતી.
તેમની કારકિર્દીની વિશે વાત કરીએ તો વેંકટરામને તેમની કારકિર્દીની શરૂઆત હેવલેટ-પેકાર્ડ લેબોરેટરીઝમાં સમર ઇન્ટર્ન તરીકે કરી હતી. આ પછી તેમણે IBMમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કર્યું. વર્ષ 2003માં તેમને ગૂગલના મુખ્ય સર્ચ એડવર્ટાઈઝિંગ બિઝનેસની જવાબદારી મળી. જાન્યુઆરી 2004માં, તેમને ગૂગલ લેબ્સના વાઇસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા.