Site icon Revoi.in

કોરોના સામે વિશ્વની મહાસત્તા પણ લાચાર: USમાં એક જ દિવસમાં 14 લાખથી વધુ દર્દીઓ નોંધાયા

Social Share

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોનાનો ફરીથી કહેર જોવા મળી રહ્યો છે. અમેરિકાથી લઇને યુરોપ સુધી, કોરોનાના કેસમાં રેકોર્ડ બ્રેક વધારો થઇ રહ્યો છે. આગામી બે મહિનામાં યુરોપની અડધી વસ્તી કોરોનાથી સંક્રમિત થાય તેવા એંધાણ છે.

યુએસની હાલત અત્યારે સૌથી વધુ કફોડી છે. અમેરિકામાં માત્ર એક જ દિવસમાં 14 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. આ પહેલા ક્યારેય અમેરિકામાં આટલી મોટી માત્રામાં કેસ નોંધાયા નથી અને વિશ્વમાં પણ નોંધાયા નથી. અમેરિકામાં ઓમિક્રોન અને ડેલ્ટા વેરિએન્ટ્સનો ખતરો સતત વધી રહ્યો છે.

એક અમેરિકી યુનિવર્સિટી અનુસાર, યુ.એસ.માં 1,481,375 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. જ્યારે અગાઉ 3 જાન્યુઆરીએ 11. લાખ કેસ નોંધાયા હતા. આ સાથે અમેરિકામાં કુલ કેસની સંખ્યા વધીને 6,15,58,085 થઇ ગઇ છે. જ્યારે સોમવારે 1,906 મૃત્યુ બાદ કુલ મૃતકોની સંખ્યા 8,39,500 પર પહોંચી ગઇ છે. માત્ર ત્રણ સપ્તાહમાં આ આંકડો બમણો થઇ ગયો છે.

અમેરિકામાં કોવિડ વાયરસના કારણે 1,41,000 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અગાઉ ગત વર્ષે જાન્યુઆરીમાં આ આંક રેકોર્ડ 1,32,051 નોંધાયો હતો.

ફ્રાન્સમાં પણ સ્થિતિ નાજુક છે. અહીંયા 24 કલાકમાં રેકોર્ડ 3,68,149 કેસ નોંધાયા છે. શુક્રવાર પછી સ્વીડનમાં રેકોર્ડ 70,641 કેસ નોંધાયા છે. આ દરમિયાન અહીંયા 54 મૃત્યુ પણ થયા છે. બીજી તરફ WHO અનુસાર જો આગામી બે મહિના સુધી ઇન્ફેક્શનના કેસ આ રીતે સામે આવતા રહેશે તો યુરોપની અડધાથી વધુ વસ્તી ઓમિક્રોનથી સંક્રમિત થઇ શકે છે.

ઓસ્ટ્રિલાયમાં પણ કોરોના વિસ્ફોટ થયો છે. અહીંયા ન્યૂ સાઉથ વેલ્સમાં, એક જ દિવસમાં 34,759 કેસ નોંધાયા છે અને 2,242 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે વિક્ટોરિયા રાજ્યમાં 40,127 કેસ નોંધાયા હતા અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા 946 હતી.

બ્રિટનમાં પણ છેલ્લા 24 કલાકમાં 1,20,821 નવા કેસ નોંધાયા છે અને આ સમયગાળા દરમિયાન 379 દર્દીઓના મોત નિપજ્યા છે.