Site icon Revoi.in

કોરોના કાળમાં વિશ્વનો સૌથી મોટો દુબઇ એક્સપોનું આયોજન, 192 દેશો ભાગ લેશે

Social Share

નવી દિલ્હી: આજથી દુબઇમાં વર્લ્ડ એક્સ્પોનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. જેમાં ભારતનું પેવેલિયન હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વિશ્વના 192 દેશો આ એક્સ્પોમાં ભારતનું સામર્થ્ય જોશે.

દુબઇમાં 1 ઑક્ટોબરથી શરૂ થયેલા આ એક્સ્પોમાં છ મહિના સુધી 192 દેશો તેમની તાકાત, ટેક્નોલોજી અને કલા સંસ્કૃતિ વિશ્વને બતાવશે. આ વર્ષે દુબઇ એક્સપોમાં ભારતની તાકાત પણ સમગ્ર વિશ્વ જોશે. કારણ કે આ વખતે આ એક્સપોમાં સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર ભારતનું પેવેલિયન છે.

ભારતમાંથી તાતા ગ્રૂપ, રિલાયંસ ગ્રૂપ, વેદાંતા, HSBC જેવા નામચીન ગ્રુપની સાથે ઘણા બધા ગ્રુપ આ એક્સપોમાં ભાગ લેવાના છે.

આ વર્ષે મોટી કંપનીઓ તેમજ ઉત્પાદકો ઉપરાંત ટેક્નોલોજી અને ઇનોવેશનનો અદ્દભુત સંગમ અને સમન્વય જોવા મળશે. જેના કારણે  આ વખતનો દુબઇ એક્સપો કંઇક અલગ જ બની રહેશે. આ એક્સપોમાં પ્રત્યેક દેશ માટે પેવેલિયનની વ્યવસ્થા કરાઇ છે.

આ પેવેલિયન 438 હેક્ટર ક્ષેત્રમાં ફેલાયેલા છે. જેમાં કુલ 600 જેટલા નવા બ્લોક બનાવવામાં આવ્યા છે. આ બ્લોક હંમેશા ફરતા રહે તે રીતે  બનાવામાં આવ્યા છે.

પેવેલિયનના નિર્માણ પાછળ 500 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં ભારતનું પેવેલિયન 11 અલગ અલગ થીમ પર બનાવવામાં આવ્યું છે. જે ભારતની વધતી તાકાત અને તેના રોકાણની સંભાવનાઓ દેખાડશે. જેના કારણે સ્પેસ ટેક્નોલોજી, રોબોટિક્સ, સાયબર સિક્યોરિટી, હેલ્થકેયર, સ્ટાર્ટઅપ્સ તેમજ મેક ઇન ઇન્ડિયામાં નવી સંભાવનાઓ બતાવશે.

મહત્વનું છે કે, અગાઉ દુબઇ એક્સપો 2020માં આયોજીત થવાનો હતો પરંતુ કોરોનાને કારણે તેને સ્થગિત કરવામાં આવ્યો હતો. હવે આ એક્સપો 1 ઑક્ટોબર 2021થી શરૂ કરવામાં આવ્યો છે.