- નાસાએ વિશ્વનું સૌથી વિશાળ ટેલિસ્કોપ લોંચ કર્યું
- નાસાએ જેમ્સ વેબ ટેલિસ્કોપને સફળતાપૂર્વક કર્યું લોંચ
- તે પૃથ્વીવાસીઓ માટે અંતરિક્ષમાં નવી આંખ બનશે
નવી દિલ્હી: નાસાએ હવે વિશ્વનું સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ લૉંચ કર્યું છે. નાસાનું મહત્વકાંક્ષી ટેલિસ્કોપ જેમ્સ વેબ આખરે સફળતાપૂર્વક લોંચ થયું હતું. દક્ષિણ અમેરિકા સ્થિત ફ્રેન્ચ ગુએના સ્પેસ સ્ટેશનમાંથી એરિયન રોકેટની મદદથી ટેલિસ્કોપ લોંચ થયું હતું. આ મિશન પાછળ 10 અબજ ડૉલરનો ખર્ચ થયો છે.
જેમ્સ વેબ ટેલિસ્કોપ મિશનનું લોન્ચિંગ અગાઉ અનેકવાર રદ્દ થયું હતું અને અંતે નાસાએ યુરોપિયન સ્પેસ એજન્સીની મદદથી ટેલિસ્કોપ સફળતાપૂર્વક લોંચ કર્યું હતું. હબલ સ્પેસ ટેલિસ્કોપ નિષ્ક્રિય થાય તેવી શક્યતા છે. તે પહેલાં નાસાનું આ સૌથી વિશાળ, સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ અંતરિક્ષમાં ગોઠવાઇ જશે.
નાસાએ ટ્વિટરના માધ્યમથી ટેલિસ્કોપના લોન્ચિંગનો વીડિયો રિલીઝ કર્યો હતો. એ વીડિયોને કરોડો લોકોએ જોયો હતો. લોન્ચિંગ પછી આ વીડિયો વાયરલ બન્યો હતો. નાસાએ મિશન લોંચ થયાની જાહેરાત કરતા લખ્યું હતું. અમે ટેલિસ્કોપ લોંચ કરી દીધું. આ મિશન પછી આપણી અંતરિક્ષને સમજવાની દૃષ્ટિ બદલાઇ જશે. લાંબી પ્રતિક્ષાનો અંત આવ્યો.
અત્રે જણાવવાનું કે, નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને જણાવ્યું હતું કે આ મિશન ખૂબ જ મહત્વનું સાબિત થશે. અંતરિક્ષમાં ઈતિહાસમાં આ મિશન ઘણાં નવા આયામો સર કરશે. બ્રહ્માંડના કેટલાય રહસ્યો સમજવામાં એ મદદરૃપ બનશે. આપણી અંતરિક્ષની સમજને વિકસાવવામાં જેમ્સ વેબ ટ્રેન્ડસેટર સાબિત થશે.