નુહમાં ફરીથી ઇન્ટરનેટ સેવાઓ થઈ શકે છે બંધ,ડીસીએ ગૃહ વિભાગને લખ્યો પત્ર
- હિન્દુ સંગઠનોએ ફરી વ્રજમંડલ યાત્રા કાઢવાની જાહેરાત કરી
- 29 ઓગસ્ટ સુધી ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવાની માંગ કરી
- વ્રજમંડલ યાત્રા દરમિયાન જિલ્લામાં ફાટી નીકળી હતી હિંસા
નુહ: તાજેતરમાં વ્રજમંડલ યાત્રા દરમિયાન જિલ્લામાં હિંસા ફાટી નીકળી હતી. જેના કારણે યાત્રા પૂર્ણ થઈ શકી ન હતી. આ પછી સર્વજ્ઞાતિના લોકો દ્વારા યોજાતી મહાપંચાયતમાં ફરી યાત્રા કાઢીને અધૂરી યાત્રા પૂર્ણ કરવાનો નિર્ણય લેવાયો છે. હિન્દુ સંગઠનોએ 28 ઓગસ્ટે નુહથી વ્રજમંડલ યાત્રાની હાકલ કરી છે.
યાત્રા દરમિયાન ફરી એકવાર હિંસા ફાટી નીકળવાની આશંકાએ નુહ જિલ્લા ડેપ્યુટી કમિશનર ધીરેન્દ્ર ખડગતાએ ગૃહ વિભાગના એસીએસ ટીબીએસએન પ્રસાદને પત્ર લખીને જિલ્લામાં 25 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવાની માંગ કરી છે.
ગૃહ વિભાગને મોકલેલા પત્રમાં નુહના ડેપ્યુટી કમિશનરે કહ્યું છે કે, 31 જુલાઇએ ફાટી નીકળેલી હિંસામાં જાહેર અને જાહેર સંપત્તિને ઘણું નુકસાન થયું છે. હિન્દુ સંગઠનોએ 28 ઓગસ્ટે ફરી વ્રજમંડલ યાત્રા કાઢવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં અસામાજિક તત્વો શાંતિ ડહોળવાના હેતુથી અફવા ફેલાવી શકે છે. તેથી, તમને 25 ઓગસ્ટ, 2023 (સાંજ) થી 29 ઓગસ્ટ, 2023 સુધી નુહમાં મોબાઇલ ઇન્ટરનેટ અને બલ્ક એસએમએસ સેવા સ્થગિત કરવા સંબંધિત જરૂરી માર્ગદર્શિકા જારી કરવા વિનંતી છે.