અમદાવાદઃ નવી શિક્ષણ નીતિ અને એઆઈસીટીએ સૂચવેલા મોડેલ અભ્યાસક્રમને કેન્દ્રમાં રાખીને જીટીયુ રાજ્યની 138 ડિપ્લોમા ઈજનેરી કોલેજોમાં શૈક્ષણિક વર્ષ 2022થી બીજા વર્ષમાં બે વીકની અને ત્રીજા વર્ષમાં 6 વીકની ઈન્ટર્નશિપ લાગુ કરશે. આ ઈન્ટર્નશીપથી વિદ્યાર્થીઓને ઉદ્યોગોની પ્રત્યક્ષ તાલીમ મેળવી શકશે.
સૂત્રોના જણાવ્યા મુજબ જીટીયુ સંલગ્ન ડિપ્લોમા ઈજનેરીની આશરે 30થી વધુ બ્રાન્ચોમાં અભ્યાસ કરતા આશરે 33 હજાર વિદ્યાર્થીઓનો ઈન્ટર્નશીપનો વિધિવત અમલ આગામી જૂન 2022થી કરવામાં આવશે. જીટીયુ દ્વારા લાગુ કરવામાં આવનારી આ ઈન્ટર્નશિપ હેઠળ ભાવિ રૂપરેખા ઘડી કાઢવા, કોલેજો અને ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકલન સાધવા સહિતની બાબતો નક્કી કરવા માટે 18,19,20 એપ્રિલ દરમિયાન વિવિધ વિષયોના નિષ્ણાત અધ્યાપક એવા પદાઘિકારીઓ, બે એનઆઈટીટીઆટીઆર (નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ ટીચર્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ) ના સભ્યો મળશે તેમજ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા બે સભ્યો ભાગ લેશે. ડિપ્લોમા ઈજનેરીમાં વિવિધ પ્રકારની આ બ્રાન્ચોમાં આ બાબત લાગુ થશે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના રાજયના વિવિધ શહેરોમાં આવેલી ડિપ્લોમા ઈજનેરી કોર્સમાં ભણાવાતી આ 30થી વધુ બ્રાન્ચોમાં ઈન્ટર્નશિપ લાગુ કરાશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઈન્ટર્નશિપ લાગુ કરાયા બાદ ડિપ્લોમા ઈજનેરીના બીજા વર્ષમાં ત્રીજા સેમેસ્ટરમાં (બે વીકની) ઈન્ટર્નશિપ લાગુ કરાશે. જ્યારે ત્રીજા વર્ષમાં પાંચમા સેમેસ્ટરમાં ( છ વીકની) ઈન્ટર્નશિપ લાગુ થશે. વિદ્યાર્થીઓને ઈન્ડસ્ટ્રીયલ એક્સપોઝર મળશે. ઈન્ડસ્ટ્રીઝનો પ્રત્યક્ષ અનુભવો, કાર્યશૈલી, ઉત્પાદન, આયોજન, પ્રશ્નોથી અવગત થશે. પ્રોડકશનનો અનુભવ મેળવશે. ઈજનેરીની વિવિધ બ્રાન્ચના મશીનો કેવી રીતે બને છે, તેની વિગતો મેળવશે. સાથે જ ઈજનેરી શાખા વર્તમાનમાં કેવી રીતે કામ કરે છે, ઈન્ડસ્ટ્રીઝની વર્તમાન ડીમાન્ડ શું છે, અભિયોગ્યગતા શું છે, વર્તમાન પડકારો કયા છે, ઈજનેરો માટે ઉદ્યોગ જગતના ભવિષ્યના પડકારો તે જાણશે. તે જાણીને તેને પહોંચી વળવા માટેની સજ્જતા કેળવાશે.
જીટીયુના કુલપતિ ડો નવીન શેઠએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયની ઈન્ડસ્ટ્રીઝની માંગણીને પહોંચી વળવા સુસજ્જ માનવશ્રમ તૈયાર કરવા માટે આ કવાયત હાથ ધરાઈ છે. ન્યૂ એજ્યુકેશન પોલિસીને, એઆઈસીટીઈના મોડેલ અભ્યાસક્રમને કેન્દ્રમાં રાખીને આયોજન ટેકનિકલ શિક્ષણ જગત તેમજ ઉદ્યોગ જગતના લોકોના સંકલન સાથે હાથ ધરવામાં આવશે. આ પ્રમાણે એક સાથે ડિપ્લોમા ઈજનેરીની તમામ કોલેજોમાં 30થી વધુ બ્રાન્ચોમાં ઈન્ટર્નશીપ પ્રથમવાર લાગુ થવાની છે.જેના કારણે. ઈન્ડસ્ટ્રીઝ અને ઈન્સ્ટિટ્યૂટ વચ્ચેનું કોલોબ્રેશન વધશે. તેના કારણે થિયરેટિકલ કોર્સ અને પ્રેક્ટિકલ કોર્સ વચ્ચેના ગેપમાં ઘટાડો ઓછો થશે.