- ઈન્ટરપોલના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યું છે પાકિસ્તાન
- પાકિસ્તાનના ઉચ્ચ અધિકારી રહ્યાં ઉપસ્થિત
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના પ્રગતિ મેદાનમાં ઈન્ટરપોલની 90મી વાર્ષિક મહાસભા યોજાઈ રહી છે. ચાર દિવસ સુધી ચાલનારા આ મહાસભામાં દુનિયાના 195 દેશના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યાં છે. પડોશી દેશ પાકિસ્તાનનું પ્રતિનિધિ મંડળ ઉપસ્થિત રહ્યું છે. આ પ્રતિનિધિ મંડળના સભ્યોએ કુખ્યાત અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને ઈન્ટરનેશનલ ટેરરિસ્ટ હાફીઝ સૈયદ વિશે મીડિયા સમક્ષ કંઈ પણ બોલવાનો ઈન્કાર કર્યો હતો. તેમજ મોઢા ઉપર આંગળી મુકીને દાઉદ અને હાફીઝ સૈયદ મુદ્દે મૌન ધારણ કરી લીધું હતું. તેમજ મીડિયાથી દૂર રહેવાના પ્રયાસ કર્યાં હતા.
ઈન્ટરપોલની સભામાં પાકિસ્તાનની સુરક્ષા એજન્સી એફઆઈએના ઉચ્ચ અધિકારી મોહસિન બટ ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત પત્રકારોએ તેમને દાઉદ અ લશ્કર-એ-તૈયબાના હાફીઝ સૈયદ વિશે પ્રશ્નો પૂછ્યાં હતા. તેમને પૂછવામાં આવ્યું કે, દાઉદ અને હાફિઝ સૈયદ ભારતને સોંપશે. આ સવાલ ઉપર તેમણે કંઈ પણ કહેવાનો ઈન્કાર કરીને મૌઢા ઉપર આંગળી મુકીને મૌન ધારણ કરી લીધું હતું.
દિલ્હીમાં તા. 21મી ઓક્ટોબર સુધી મહાસભાની બેઠક યોજાશે. આ મહાસભા ઈન્ટરપોલની સૌથી મોટી મહાસભા હોય છે અને વર્ષમાં એકવાર યોજાય છે. આ મહાસભામાં ઈન્ટરપોલની કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે. તેમજ કેટલાક મહત્વના નિર્ણય પણ લેવામાં આવે છે. આ બેઠકમાં નાણાકીય અપરાધો અને ભ્રષ્ટાચાર સહિતના વિવિધ ગંભીર મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવે છે.