ગાંધીનગરઃ ગાંધીનગર ખાતે શ્રમ – રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે આજે વિશ્વકર્મા જયંતિએ શ્રમ પારિતોષિકથી રાજ્યના વિવિધ ક્ષેત્રના ઔદ્યોગિક શ્રમિકોનું સન્માન કરતા કહ્યું કે, ગુજરાતના સર્વાંગી વિકાસમાં શ્રમિકોનું અમૂલ્ય
યોગદાન છે.તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી પદ કાળ દરમિયાન શરૂ કરાવેલી આ શ્રમ પારિતોષિક વિતરણની શૃંખલામાં રાજ્ય સરકાર ઉદ્યોગોમાં સંકટ સમયે પોતાની આત્મસૂઝ, ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો તથા ઔદ્યોગિક શાંતિ જાળવવામાં યોગદાન આપનારા શ્રમયોગીઓને વિવિધ પુરસ્કારોથી સન્માનિત કરે છે.
તેમણે શ્રમિકોનું સન્માન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનએ આપેલા ‘શ્રમ એવ જયતે’ના મંત્રને સાકાર કરવા રાજ્ય સરકારે શ્રમિક કલ્યાણની અનેક યોજનાઓનો સફળતાપૂર્વક અમલ કર્યો છે. આમ શ્રમશક્તિના સક્રિય સહયોગને પરિણામે જ ગુજરાત વિકાસનું રોલ મોડલ બન્યુ છે. રાજ્ય સરકારના સાનુકૂળ અભિગમ ઉપરાંત શ્રમ શાંતિનો પણ મહત્વનો ફાળો રહેલો છે. રાજ્ય સરકારે શ્રમિકોના પરિવારોની, તેમના સંતાનોની પણ આરોગ્ય, શિક્ષણ જેવી સુવિધાઓ માટે સતત ચિંતા કરી છે. શ્રમિકોનો સમય સાથે સર્વાંગી વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ભવિષ્યની ટેક્નોલોજીને ધ્યાનમાં રાખીને ટૂંકાગાળાના કૌશલ્યવર્ધન અભ્યાસક્રમો પણ શરૂ કરવામાં આવ્યા છે.
શ્રમ, કૌશલ્ય વિકસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્માએ સ્વાગત પ્રવચન કરતા કહ્યું કે, રાજ્યમાં ઔદ્યોગિક અકસ્માતો ઘટાડી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા નક્કર પગલાં લેવામાં આવે છે. જેના પરિણામે આજે ઔદ્યોગિક અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. અકસ્માતનો ભોગ બનનાર શ્રમિકોને આર્થિક સહાય પૂરી પાડવાના હેતુથી ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. જે અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં અકસ્માતનો ભોગ બનનાર શ્રમિકોને આશરે રૂપિયા 28 કરોડની સહાય ઉદ્યોગકારો દ્વારા ચુકવાઈ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, શ્રમિકો કૌશલ્યવર્ધન માટે વધુને વધુ સુસજ્જ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ ઔદ્યોગિક અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. ઔદ્યોગિક ક્ષેત્રે શ્રમિકોની સુરક્ષા ખુબ જ આવશ્યક છે. ત્યારે ઔદ્યોગિક સુરક્ષાના અભ્યાસક્રમો અને તાલીમ આપવામાં આવે છે. દરેક કારખાનાઓમાં સુરક્ષા અધિકારીઓની નિમણૂક ફરજિયાત કરી છે તથા ઔદ્યોગિક સુરક્ષા સલાહાકાર અને ઓડિટ પણ ફરજિયાત કરાશે. જેના પરિણામે ઔદ્યોગિક સલામતી વધુ સુનિશ્ચિત થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા રચાયેલ ઉચ્ચ કક્ષાની સમિતિ દ્વારા શ્રમયોગીઓની પસંદગી કરી રાજયમાં શ્રમયોગીઓએ કરેલ વિશિષ્ટ કામગીરી માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત એમ દરેક રીજીયનમાં પારિતોષિકો આપવામાં આવે છે. રાજ્ય શ્રમ રત્ન પારિતોષિક અંતર્ગત પારિતોષિક દીઠ રૂ.25000, રાજ્ય શ્રમ ભૂષણ પારિતોષિક અંતર્ગત પારિતોષિક દીઠ રૂ. 15000 રાજ્ય શ્રમ વીર પારિતોષિક દીઠ રૂ. 10000 અને રાજ્ય શ્રમશ્રી/શ્રમદેવી પારિતોષિક અંતર્ગત પારિતોષિક દીઠ રૂ. 5000 ની રકમ આપવામાં આવે છે.
રાજ્ય સરકાર દ્વારા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓને પ્રોત્સાહિત કરવા અને રાજ્યની પ્રગતિ, વિકાસ અને ઉન્નતિના ક્ષેત્રે રાજ્ય સરકાર દર વર્ષે શ્રમયોગીઓ દ્વારા ઉત્પાદનમાં, ગુણવત્તામાં તેમજ ઔદ્યોગિક શાંતિ જાળવવામાં અગ્રેસર કામગીરી તેમજ પોતાના જીવનું જોખમ ખેડીને અને તાકીદે પગલાં ભરીને જીવ બચાવ્યા હોય તેમજ મિલકતને બચાવી હોય તેવા શ્રમયોગીઓને શ્રમ રત્ન, શ્રમ ભૂષણ, શ્રમ વીર અને શ્રમ શ્રી – શ્રમ દેવી પુરસ્કારો જેવા 61 પુરસ્કારો આપવામાં આવ્યા છે. આ પ્રસંગે શ્રમ કમિશ્નર અનુપમ આનંદ, રોજગાર અને તાલીમ નિયામક લલિત સાંદુ અને ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય નિયામક પી. એમ. શાહ તથા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને શ્રમ પારિતોષિક વિજેતાઓ પરિવાર સહ ઉપસ્થિત રહ્યા હતા.