ઇલેક્ટ્રિક વિહીકલ ક્ષેત્રે રોકાણ કરો, નહિતર બસ ચૂકી જશો : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી
ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી એડિશનમાં આયોજિત ‘ઇલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ- ચાર્જિંગ અહેડ ટુ-2047 સેમિનારમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ, ઇવી નિર્માતાઓ અને મહાનુભાવો સમક્ષ, દેશમાં વિકાસ થઇ રહેલી ઇવી ઇકોસિસ્ટમ, તેમાં રોકાણની તકો અને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ભારત આ ક્ષેત્રમાં કેવી રીતે આગળ વધી શકે છે, તેના વિશે જણાવી કહયું હતુ કે, ઇલેક્ટ્રિક વિહીકલ ક્ષેત્રે રોકાણ કરો, નહિતર બસ ચૂકી જશો
આ સેમિનારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ઈલેક્ટ્રીક વ્હિકલ મેન્યુફેક્ચરિંગ માટે ઇન્વેસ્ટર્સને આકર્ષિત કરવા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા તેમજ ચાર્જિંગ અને મેન્ટેનન્સનું રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર પ્રોએક્ટિવ છે. ઇલેક્ટ્રીક વ્હીકલ્સની સફળતા ચાર્જિંગ સ્ટેશનોના મજબૂત નેટવર્ક ઉપર નિર્ભર હોય છે તેથી ગુજરાતે ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલોપમેન્ટમાં મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી એડિશનમાં આયોજિત ‘ઇલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ- ચાર્જિંગ અહેડ ટુ-2047 સેમિનારમાં ઇવી ક્ષેત્રના ઉદ્યોગકારો-રોકાણકારો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંબોધન કરી રહ્યા હતા.
આ સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે, ઉદ્યોગકારો માંડલ-બેચરાજી અને ધોલેરા જેવા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં ઇવી ઇન્ડસ્ટ્રીઝ પ્રોડક્શન યુનિટ શરૂ થઈ શકે તે માટે રાજ્ય સરકારે સીમલેસ પ્લેટફોર્મ પ્રોવાઇડ કર્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, લોકો ઈલેક્ટ્રીક વ્હીકલ એડોપ્ટ કરે તે માટે અને સમગ્ર ઈલેક્ટ્રીક વ્હીકલ વેલ્યુ ચેઈન માટે અનુકૂળ ઈકો સિસ્ટમ તૈયાર કરવાના લક્ષ્ય સાથે રાજ્ય સરકારે EV પોલીસી ડિઝાઇન કરી છે.
સરકારી પરિવહનમાં ઈલેક્ટ્રીક વ્હીકલ્સ અપનાવ્યા છે, આશરે 500 જેટલી ઈલેક્ટ્રીક બસની ફ્લીટ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં કાર્યરત છે. રાજ્ય સરકારના આ સમગ્રતયા પ્રયાસોને પરિણામે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં ઇવીના વેચાણમાં માતબર વૃદ્ધિ થઈ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે ગ્રીન ક્લીન એન્વાયરમેન્ટને મહત્વ આપ્યું છે અને આપણા દૈનિક જીવનમાં પણ પર્યાવરણ પ્રિય લાઈફ સ્ટાઈલ અપનાવીને મિશન લાઈફનો બહુમૂલ્ય વિચાર ચરીતાર્થ કરવાની પ્રેરણા તેમણે આપી છે, આ જવાબદારીઓ નિભાવવા માટે ઈલેક્ટ્રીક મોબિલિટી અને ગ્લોબલ ગ્રીન મોબિલિટીનો વિચાર પણ તેમણે આપ્યો છે.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ, સેમિનારમાં ઉપસ્થિત ઇવી નિર્માતાઓ અને મહાનુભાવો સમક્ષ, દેશમાં વિકાસ થઇ રહેલી ઇવી ઇકોસિસ્ટમ, તેમાં રોકાણની તકો અને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ભારત આ ક્ષેત્રમાં કેવી રીતે આગળ વધી શકે છે, તેના વિશે જણાવી કહયું હતુ કે, “દેશમાં ટ્રાન્સપોર્ટ સેક્ટરનું કાર્બન ઉત્સર્જન 40 ટકા જેટલું છે. આપણે ઇંધણને ઇમ્પોર્ટ કરીએ છીએ તો ખર્ચો આવે છે અને પ્રદૂષણના લીધે પણ નુકસાન થાય છે. તેથી ઇમ્પોર્ટના લીધે આપણી સમક્ષ એક આર્થિક પડકાર છે અને પ્રદૂષણના કારણે અન્ય સમસ્યાઓ ઉદ્દભવે છે. તેથી કોસ્ટ ઇફેક્ટિવ અને ઇમ્પોર્ટ સબ્સ્ટિટ્યૂટ ટેક્નોલોજીના નિર્માણ તરફ આપણે આગળ વધવું પડશે.”