Site icon Revoi.in

અમદાવાદમાં RTEમાં ખોટા દસ્તાવેજોને આધારે પ્રવેશ લેનારા વાલીઓ સામે તપાસ

Social Share

અમદાવાદઃ શહેર અને જિલ્લામાં આર્થિકરીતે નબળા હોય એવા પરિવારના બાળકોને તેના ઘર નજીકની ખાનગી શાળાઓમાં સરકાર દ્વારા પ્રવેશ અપાવવામાં આવે છે. ખાનગી શાળાઓમાં નિયત કરેલી ફી સરકાર દ્વારા શાળાઓને આપવામાં આવે છે. આરટીઈ એટલે કે રાઈટ ટુ એજ્યુકેશનમાં પ્રવેશ માટે વાલીઓની આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે, પરંતુ કેટલાક વાલીઓ પોતાની આવક છૂપાવીને ખોટા દસ્તાવેજો મેળવીને પોતાની બાળકને આરટીઈ હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવી લેતા હોય છે. આ અંગે ફરિયાદો ઉઠતા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. અને  1.5 લાખથી વધુ આવક હોવા છતાં ઓછી આવક બતાડી આરટીઈ પ્રવેશ લેનારા 150 વાલીઓને DEO એ નોટિસ પાઠવી રૂબરૂ મુલાકાત માટે બોલાવ્યા હતા. જેમાંથી મોટાભાગના વાલીઓએ ખોટી રીતે બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

રાઈટ ટુ એજ્યુકેશન આર્થિક રીતે ગરીબ બાળકો સુધી શિક્ષણ પહોંચી શકે તે માટેની ભારતની સર્વશ્રેષ્ઠ યોજના છે. પરંતુ આરટીઈમાં આર્થિક સદ્ધર હોય તેવા લોકો ખોટા દસ્તાવેજ આપી પ્રવેશ લઇ રહ્યા છે. આવી ઘટના સામે આવતા DEO એ આવા વાલીઓ સામે પગલા લેઈ પોલી ફરિયાદ કરવા શાળાને સૂચના આપી છે. અમદાવાદમા ઘાટલોડિયામાં આવેલી કેલોરેક્સ સ્કૂલ અને થલતેજમાં આવેલી ઉદગમ સ્કૂલ સહીત કેટલીક શાળાઓએ DEO મા ફરિયાદ કરી હતી. શાળાઓએ DEO કચેરીને એવા વાલીઓનું લિસ્ટ આપ્યું હતું જેમની આવક 1.5 લાખથી વધુ હોય છતાં આરટીઈમાં પ્રવેશ લીધો હોય. લિસ્ટ મળતા DEO એ 150 વાલીઓને નોટિસ પાઠવી વાલીઓની સુનાવણી શરુ કરી હતી.  કેલોરેક્સ સ્કૂલના 63 વાલીઓમાંથી 60 વાલીઓએ ઓછી આવક બતાવી પ્રવેશ લીધો હતો. જયારે ઉદગમ સ્કૂલના 30 વાલીઓમાંથી 20 વાલીઓની સુનવણી પૂર્ણ થઇ હતી.20 માંથી 18 વાલીઓએ ઓછી આવક બતાડી RTE માં પ્રવેશ લીધો હતો સુનવણી દરમિયાન વાલીઓએ ઓછી આવક બતાડી પ્રવેશ લીધા હોવાનું સ્વીકાર્યું હતું.