રાજકોટઃ અમદાવાદ-રાજકોટ વચ્ચે ખાનગી વાહનો પરમિટનો ભંગ કરીને પેસેન્જરોની હેરાફેરી કરતા હોય છે. છેલ્લા કેટલાંક દિવસોથી રાજકોટ જિલ્લા આરટીઓ અને એસટી વિભાગ દ્વારા રાજકોટ શહેર અને આસપાસનાં લાગુ હાઈવે ઉપર સીઓ ચેકીંગની કામગીરી કરવામાં આવી રહી છે. અને ગેરકાયદેસર રીતે પેસેન્જરોની હેરફેરી કરતા ખાનગી વાહનો અને પરમીટનો ભંગ કરતા ખાનગી વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રાજકોટ જિલ્લા આરટીઓના સૂત્રોએ જણાવ્યુ હતું કે, ચાલુ માસ દરમિયાન એસટી અને આરટીઓ તંત્રની ચેકીંગ ટીમોએ રાજકોટનાં માધાપર ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, ગોંડલ રોડ ચોકડી, તથા મોરબી રોડ સહિતનાં જુદા જુદા વિસ્તારોમાં ખાનગી વાહનોનું ચેકીંગ કર્યું હતું. અને આ ચેકીંગ દરમિયાન જુદા જુદા ટ્રાવેલ્સ સંચાલકોની બસો ચેક કરવામાં આવી હતી. આ ચેકીંગ દરમિયાન પેસેન્જર બસો સામે પરમીટ ભંગનાં 62 કેસો કરવામાં આવ્યા હતા.
અને દંડ રુપે રૂા. 6.30 લાખની વસુલાત કરવામાં આવી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ ચેકીંગ કાર્યવાહી આવતા દિવસોમાં પણ ચાલુ રહેશે. અને આગામી માસથી આ ચેકીંગ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવશે.. આ ચેકીંગ માટે વધારાની ટીમો પણ મેદાનમાં ઉતારવામાં આવનાર છે.
દિવાળીના તહેવારો નજીકમાં હોવાથી હાલ ખાનગી ટ્રાવેલ્સની બસમાં સારોએવો ટ્રાફિક જોવા મળી રહ્યો છે. ડીઝલના ભાવ વધતા ખાનગી બસ ભાડાંમાં પણ વધારો કર્યો છે. જ્યારે એસટીના ભાડામાં કોઈ જ વધારો કરાયો નથી. ખાનગી ટ્રાવેલ્સના સંચાલકોના કહેવા મુજબ કોરોના કાળમાં અમે ઘણુંબધું સહન કર્યું છે. બે વર્ષ બાદ ધંધામાં થોડી તેજી જોવા મળી રહી છે. ત્યારે આરટીઓની ધોંસ બોલી રહી છે.