સુરતઃ શહેરના એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યા બાદ દૂબઈ અને આરબ અમિરાત સહિત વિદેશી ફ્લાઈટ્સ સેવા શરૂ થઈ છે. અને ટ્રાફિક પણ સારોએવો મળી રહ્યો છે. તાજેતરમાં એરપોર્ટ પરિસરમાં અને રનવે નજીક પુરતી તકેદારી રાખવામાં આવતી ન હોય તેમ ભૂંડનું ટોળું ફરતું હોવાનો વિડિયો વાયરલ થયો હતો. આથી સુરત એરપોર્ટ ડાયરેકટરએ ભૂંડનું ટોળું ટર્મિનલ બિલ્ડિંગ નજીકના ગાર્ડન અને પાર્કિંગ એરિયા સુધી કંઈ રીતે ઘૂંસી ગયું અને એરપોર્ટની દીવાલમાં બાકોરાં પડ્યાં છે કે કેમ? એની તપાસ કરવા એરપોર્ટ મેનેજરને આદેશ આપ્યા છે.
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના પરિસરમાં વારંવાર રખડતા પશુઓ તેમજ કૂતરા, બિલાડા અને હવે ભૂંડ દેખાતાં એનિમલ હિટની ઘટના બનવાનો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે. હકીકતમાં એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓની નિષ્કાળજીને લીધે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થામાં ક્ષતિ જોવા મળી રહી છે. તાજેતરમાં એરપોર્ટ પરિસરમાં ભૂંડનાં ટોળાં ફરી રહ્યાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો, આથી એરપોર્ટ ડાયરેકટરએ ભૂંડનું ટોળું ટર્મિનલ બિલ્ડિંગ નજીકના ગાર્ડન અને પાર્કિંગ એરિયા સુધી કંઈ રીતે ઘૂંસી ગયું અને એરપોર્ટની દીવાલમાં બાકોરાં પડ્યાં છે કે કેમ? એની તપાસ કરવા એરપોર્ટ મેનેજરને આદેશ આપ્યા છે. આ મામલે સુરત એરપોર્ટ ડિરેક્ટર એસ. સી. ભાલસેએ જણાવ્યું હતું કે સ્ટ્રીટ ડોગ અને ભૂંડ પકડવાનું કામ એરપોર્ટનું નથી. વહીવટી તંત્રએ ઘણીવાર સુરત મ્યુનિ,કોર્પોરેશનને લેખિતમાં રજૂઆતો કરી છે, જેમાં બ્યૂટિફિકેશનવાળા એરપોર્ટ રોડ પરથી રખડતાં કૂતરા અને ભૂંડ એરપોર્ટમાં પ્રવેશી ન જાય એ માટે સહયોગ આપવા જણાવ્યું છે. તંત્રએ ચારેક જેટલાં ભૂંડને એરપોર્ટ પરિસર બહાર ધકેલ્યાં હતાં.
સુરત એરપોર્ટ ઓથોરિટીના કહેવા મુજબ એરપોર્ટની મેઈન એન્ટ્રી પાસેનાં ખેતરોમાં પારાવાર ગંદકીને લીધે ભૂંડ એરપોર્ટનાં મુખ્ય માર્ગથી પ્રવેશી જાય છે. ઘણીવાર ભગાડવામાં પણ આવ્યાં છે. ભૂંડનાં ટોળાં ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશ દ્વાર નજીક, પાર્કિંગ, ગાર્ડન એરિયા અને એરપોર્ટ ડાયરેક્ટર ઓફિસ નજીક ફરતાં દેખાતા હોય છે. છેલ્લાં 6 વર્ષમાં બર્ડ હિટ અને એનિમલ હિટના કુલ 101 બનાવ બન્યા છે.