ગિફ્ટસિટીમાં ઈજિપ્તની નાણાંકીય સંસ્થાઓ-ફિનટેક કંપનીઓ-ટેક સ્ટાર્ટઅપ્સને આમંત્રણ
અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત આરબ રિપબ્લિક ઓફ ઈજીપ્તના નાણાંમંત્રી ડૉ.મોહમ્મદ મૈત અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી ભારતને આ વર્ષે મળેલી G-20 પ્રેસીડેન્સી અન્વયે ગુજરાતમાં G-20 દેશોના ફાયનાન્સ મિનીસ્ટર્સ અને સેન્ટ્રલ બેન્ક્સના ગવર્નરની ત્રીજી બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં ઈજીપ્તના નાણાંમંત્રી સહભાગી થવા ગુજરાત પ્રવાસે આવેલા છે તે દરમિયાન તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત બેઠક યોજી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત, ગુજરાત અને ઈજિપ્ત વચ્ચે સદીઓ જુના વેપાર-વણજના સંબંધોને હવે વર્તમાન સમય અનુરૂપ વધુ વ્યાપક બનાવવા અંગે બેઠકમાં ચર્ચા-પરામર્શ કર્યા હતા. તેમણે કહ્યું કે, ઈતિહાસની બે સૌથી જૂની માનવ સંસ્કૃતિની વિરાસત ઈજીપ્ત અને ભારત ધરાવે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં ઈજીપ્તની જે મુલાકાત લીધી હતી તે ઐતિહાસિક અને વેપાર-રોકાણમાં નોંધપાત્ર વૃદ્ધિનો માર્ગ સરળ કરનારી બની છે તેમ ભૂપેન્દ્ર પટેલે બેઠક દરમ્યાન જણાવ્યું હતું. એટલું જ નહી, વડાપ્રધાનને ઈજીપ્તના પ્રતિષ્ઠિત સન્માન ઓર્ડર ઓફ ધ નાઈલથી સન્માનિત કરવામાં આવ્યા. તે માટે મુખ્યમંત્રીએ ગૌરવની લાગણી દર્શાવી હતી. તેમણે કહ્યું કે, વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ ગિફ્ટ સિટી આજે વિશ્વ માટે ફાઈનાન્સિયલ એન્ડ ટેકનોલોજી સેક્ટરમાં ભારતમાં પ્રવેશ માટેનું દ્વાર છે.
મુખ્યમંત્રીએ ઈજીપ્તની નાણાંકીય સંસ્થાઓ, ફિનટેક કંપનીઝ, ટેક સ્ટાર્ટઅપ્સને ગિફ્ટમાં રોકાણો માટે આવવા આમંત્રણ પાઠવ્યું હતું.
ગુજરાત અને ઈજીપ્ત સાથે મળીને રીન્યુએબલ એનર્જી, ટુરીઝમ, આઈ.ટી જેવા ક્ષેત્રોમાં રોકાણ ભાગીદારી કરી શકે તેમ છે તેવો સુઝાવ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ બેઠકની વાતચીત દરમિયાન એમ પણ જણાવ્યું કે, ઈજિપ્તમાં ભારતીય સમુદાયના લોકો વિવિધ વેપારક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને ઈજિપ્ત સહિત આફ્રિકન રાષ્ટ્રોના ઘણા વિદ્યાર્થીઓ ગુજરાતમાં ઉચ્ચ અભ્યાસ માટે પણ વસેલા છે. મુખ્યમંત્રીએ આગામી વાઈબ્રન્ટ સમિટ-૨૦૨૪માં જોડાવા ઈજિપ્તના નાણાંમંત્રીને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું હતું. ઈજિપ્તના નાણાંમંત્રીએ તેનો સકારાત્મક પ્રતિસાદ આપતા વાઈબ્રન્ટ ૨૦૨૪માં જોડાવા ઉત્સુકતા દર્શાવી હતી. તેમણે એ વાતની પણ યાદ અપાવી હતી કે, ભારતના તાજેતરના પ્રજાસત્તાક દિવસના યજમાન તરીકે ઈજિપ્તના રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહ્યા હતા.