- પ્રથમ મેચમાં બેંગ્લોરનો વિજય
- મુંબઈએ પ્રથમ બેટીંગ કરતા 160 રનનો આપ્યો હતો લક્ષ્યાંક
- બેંગ્લોરનો 20મી ઓવરના અંતિમ બોલે રોમાન્ચક વિજય
મુંબઈઃ ઈન્ડિયન પ્રિમિયર લીગ એટલે કે IPLનો પ્રારંભ થઈ ચુક્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જ બેંગ્લોર વચ્ચે રમાયેલી પ્રથમ મેચમાં મુંબઈને બે વિકેટથી હારવીને બેંગ્લોરે જીતથી પ્રારંભ કર્યો છે. બેંગ્લોર વતી રમતા મૂળ ગુજરાતી એવા હર્ષલ પટેલે કારકિર્દીનો શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. તેણે 27 રન આપીને મુંબઈની પાંચ વિકેટ લીધી હતી. મૂળ ગુજરાતી એવો હર્ષલ પટેલે હરિયાણા વતી રમે છે.
IPLની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જે ટોસ જીતીને મુંબઈ ઇન્ડિયન્સને બેટિંગમાં ઉતારી હતી. મુંબઈ ઈન્ડિયન્સે 24 રને પ્રથમ વિકેટ કેપ્ટન રોહિત શર્માની ગુમાવી હતી. ત્યાર બાદ ક્રિસ લીન અને સૂર્યકુમાર યાદવ વચ્ચે બીજી વિકેટની ૯૪ રનની ભાગીદારી નોંધાઈ હતી. જો કે, બેંગ્લોરના બોલરોની ચુસ્ત બોલીંગ સામે મુંબઈની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 159 રન જ બનાવી શકી હતી. બેંગ્લોર તરફથી હર્ષલ પટેલે પાંચ વિકેટ ઝડપી હતી. ઇનિંગની અંતિમ ઓવરમાં હર્ષલ પટેલે ચાર વિકેટ ઝડપી. 160 રનનો પીછો કરવા ઉતરેલી બેંગ્લોરની ટીમમાં ડી વિલિયર્સની શાનદાર બેટિંગની સાથે કોહલી અને મેક્સવેલની જોરદાર રમતના પરિણામે બેંગ્લોરનો બે વિકેટે વિજય થયો હતો. વિરાટ કોહલીએ ટી-20માં કેપ્ટન તરીકે 6 હજાર પર પૂરા કરવાની સિદ્ધિ હાંસલ કરી હતી. ડી વિલિયર્સે 27 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 48 રન કર્યા હતા. અંતિમ ઓવરના ચોથા બોલે ટીમને જીતાડવાના પ્રયાસમાં ડી વિલિયર્સ રનઆઉટ થયો હતો.